ભારતીય પાસપોર્ટની તાકાત છેલ્લા એક વર્ષમાં વધી છે. પાસપોર્ટ રેન્કિંગ જાહેર કરનાર સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સની 2026ની રેન્કિંગમાં ભારત 5 સ્થાનની છલાંગ લગાવીને 80મા નંબર પર પહોંચી ગયું છે.
ગયા વર્ષે 2025માં ભારતનો ક્રમ 85 હતો. નવી રેન્કિંગ મુજબ, ભારતીય નાગરિકો હવે 55 દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલ મુસાફરી કરી શકે છે. આ રેન્કિંગ પાસપોર્ટ ધારકોને પૂર્વ વિઝા વિના કેટલા દેશોમાં પ્રવેશની મંજૂરી છે, તેના આધારે નક્કી કરવામાં આવે છે.
સિંગાપોર સતત બીજા વર્ષે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો છે, જેને 227માંથી 192 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી છે. જાપાન અને સાઉથ કોરિયા સંયુક્ત રીતે બીજા સ્થાને છે, આ દેશોના નાગરિકો 188 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે
2025ની રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટ 85મા સ્થાને હતો અને 57 દેશો સુધી વિઝા-ફ્રી પહોંચ હતી. 2024માં પણ ભારતનો રેન્ક 80 હતો. એટલે કે, 2025માં ઘટાડા પછી 2026માં ફરી સુધારો જોવા મળ્યો છે. જોકે, વિઝા-ફ્રી મુસાફરીમાં 2 દેશો ઓછા થયા છે.
186 દેશોમાં ફ્રી વિઝા એન્ટ્રી સાથે ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન અને સ્વિટ્ઝર્લેન્ડ ત્રીજા સ્થાને રહ્યા. અફઘાની પાસપોર્ટ દુનિયાનો સૌથી નબળો પાસપોર્ટ છે અને યાદીમાં સૌથી નીચે 101મા સ્થાને યથાવત છે.
પાકિસ્તાને પણ રેન્કિંગમાં 5 સ્થાનની છલાંગ લગાવી છે. પાકિસ્તાનનું નવું રેન્કિંગ 98મું છે. ગયા વર્ષે 2025માં PAKનું રેન્કિંગ 103 હતું. જોકે, તેમ છતાં તેનો પાસપોર્ટ વિશ્વનો પાંચમો સૌથી નબળો પાસપોર્ટ છે.
તેના નાગરિકો 31 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. ગયા વર્ષે પાકિસ્તાની પાસપોર્ટ ચોથો સૌથી નબળો પાસપોર્ટ હતો. જોકે, પાકિસ્તાની નાગરિકો 33 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકતા હતા.

