અમેરિકા સાથે વાતચીત મામલે ઈરાન નું કહેવું છે કે તે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. જાે કે તે માટે ઈરાને એક શરત પણ રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા માટે તૈયાર હોય, ખાનગી ચેનલ સાથે વાત કરતાં ઈરાનના ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ કહ્યું કે, કરાર કરવા માટેની ઈચ્છા માટેની જવાબદારી અમેરિકા પર છે. તે જાે ઈમાનદાર છે તો મને વિશ્વાસ છે કે અમે પરમાણુ કરાર પર આગળ વધીશું, તેમણે વધુમાં જણાવ્યું કે જાે પ્રતિબંધોમાં રાહતનો પ્રસ્તાવ રાખવામાં આવશે તો તહેરાન પોતાના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદા રાખવા અને ચર્ચા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છેકે, અમેરિકા અને ઈરાને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ઓમાનમાં અપ્રત્યક્ષ વાતચીત કરી હતી. આ ઉપરાંત ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ એ પણ પુષ્ટિ કરી છે કે બીજી વાર્તા મંગળવારે જીનીવામાં થશે. શરૂઆતની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે પણ હાલ કઈંક કહેવું ઉતાવળ કહેવાશે. ૬૦ ટકા સમૃદ્ધ યુરેનિયમ ભંડારને ઓછા કરવાના પ્રસ્તાવમાં ઈરાને ઢીલ દર્શાવી છે. આ સ્તર પર સમૃદ્ધ યુરેનિયમ ભંડાર હથિયાર ગ્રેડની નજીક છે. જેથી આંતરરાષ્ટ્રીય શંકા વધી છે કે ઈરાન પરમાણુ હથિયાર વિકસિત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જાે કે ઈરાન આ દાવાઓને સતત ફગાવી રહ્યું છે.
આંશિક રાહતનો પણ સ્વીકાર
આ દરમિયાન ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ કહ્યું કે અમેરિકા સાથે પ્રતિબંધો પર ચર્ચા કરવા માટે તૈયાર છે. ઈરાન તમામ પ્રતિબંધ દૂર કરવા પર જાેર આપશે તેમજ આંશિક રાહતનો પણ સ્વીકાર કરશે. જ્યારે પૂછવામાં આવ્યું કે ઈરાન ૨૦૧૫ની સમજૂતી પ્રમાણે ૪૦૦ કિલોગ્રામથી વધારે ઉચ્ચ સમૃદ્ધ યુરેનિયમના ભંડારને બહાર મોકલશે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વાતચીત કઇ દિશામાં આગળ વધે છે તેના પર બધી જ વસ્તુ ર્નિભર છે.

