છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સ્તુતિ ચારણે આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ, કમાનો, પોસ્ટર્સ , પેમ્ફલેટ, જાહેરાતના પાટીયા, ધજા-પતાકા, ભીંતસૂત્રો, ભીંતચિત્રો તથા કોઇ પણ પ્રકારનું ચૂંટણી સાહિત્ય વિગેરે મુકવા ઉપર નિયંત્રણ મુકવા જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.
જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઇ પણ સરકારી મકાન (સીવીલ મકાન સહિત)ની દિવાલ પર કોઇ પણ જાતના ચૂંટણીલક્ષી પોસ્ટર કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ, દરવાજા, કમાનો, પોસ્ટર્સ, પેમ્ફલેટ, જાહેરાતના પાટીયા, ધજા-પતાકા, પુંઠા, પત્રિકાઓ વિગેરે મુકી શકાશે નહીં કે પ્રદર્શિત કરી શકાશે નહીં. તેમજ ભીંતચિત્રો કે ભીંતસૂત્રો લખી કે દોરી શકાશે નહીં. સરકારી મકાનમાં કોઇ પણ સરકારી કચેરી અને તેના પ્રાંગણનો પણ સમાવેશ થાય છે.
કટ આઉટ, હોર્ડિગ્સ, બેનર્સ, દરવાજા, કમાનો, પોસ્ટર્સ, પેમ્ફલેટ, જાહેરાતના પાટીયા, ધજા-પતાકા, ભીંતચિત્રો, ભીંતસૂત્રો તથા કોઇ પણ પ્રકારનું ચૂંટણી સાહિત્ય વગેરે કોઇ પણ જાહેર મિલ્કત પર કે જાહેર જગ્યાએ પર મુકી શકાશે નહીં, એટલે કે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વગેરે હસ્તકની મિલ્કતો તથા જગ્યાઓ પર (આવી મિલ્કત ભાડે આપી હશે તો પણ) મુકી કે ચોંટાડી શકાશે નહીં. જાહેર મિલ્કતો તથા મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્ધારા અથવા કોઇ પણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણીલક્ષી ભાષણો, પોસ્ટરો, સંગીત વિગેરે ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં.
સ્થાનિક કાયદા હેઠળના નિયંત્રણોને આધિન રહીને ખાનગી મકાન કે સ્થળનો કબજો ધરાવનારની સ્વૈચ્છિક લેખિત પરવાનગી મેળવ્યા સિવાય તેવા સ્થળે અલ્પકાલિન અને સરળતાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સાધનસામગ્રી જેવી કે ધ્વજ, બેનર્સ વગેરે મુકી શકાશે. મિલકતને કાયમી/હંગામી નુકસાન કરે તેમજ સરળતાથી કાઢી શકાય તેમ ન હોય તેવા ચૂંટણીલક્ષી લખાણો, પોસ્ટર્સ, ભીંતચિત્રો વગેરે મિલક્તના માલિકની સંમતિ હશે તો પણ મુકી શકાશે નહીં. કોઇ પણ સ્થાનિક કાયદો અથવા અમલમાં હોય તેવા કોઇ પણ અદાલતના હુકમોના નિયંત્રણને આધિન રહીને રાજકીય પક્ષો, ઉમેદવારો તેમના એજન્ટો કાર્યકરો અને સમર્થકો તેઓની પોતાની મિલ્કત પર સ્વેચ્છાએ બેનર્સ, નાના વાવટા, ધ્વજ, ચોપાનિયા લગાવી શકશે પરંતુ જો જાહેરાતના પાટીયા, ધ્વજ વગેરેનું આવા નિદર્શનમાં કોઇ પણ ચોકકસ ઉમેદવાર માટે મત મેળવવાનો ઉદ્દેશ હોય તો ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૭૧(એચ)ની જોગવાઇ અનુસરવાની રહેશે. મેદાનો સહિત શૈક્ષણિક સંસ્થાના મકાનો તે સરકારી સહાયિત, ખાનગી કે સરકારી ગમે તે હોય પરંતુ રાજકીય ચૂંટણી પ્રચાર, રેલી કે કોઇ પણ ચૂંટણી વિષયક હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
આ આદેશ તા. ૦૩/૧૧/૨૦૨૨ થી તા. ૧૦/૧૨/૨૦૨૨ (બંને દિવસો સહિત) સુધી છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતનો સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
