કઠોર ગામના વિવેકનગર કોલોનીમાં પાણીજન્ય રોગના કારણે ફફડાટ મચી ગયો છે. ત્રણ દિવસમાં 6 લોકોના ઝાડા-ઉલ્ટીથી મોત થતા સ્થાનિકો ફફડી ઉઠ્યા છે, 100થી વધુ લોકો સરકારી હોસ્પિટલ સહીત અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે 6 લોકોના મોત બાદ મોડેમોડે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે.કામરેજ તાલુકાના કઠોર ગામનું વિવેકનગર કોલોની જે સુરત મહાનગર પાલિકામાં સમાવિષ્ટ છે. આ વિસ્તારમાં જાન્યુઆરી મહિનાથી બીમાર પડવાનું શરુ થયું હતું. સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર જાગ્યું નહી અને છેલ્લા ત્રણ દિવસમાં 6 લોકોના દુષિત પાણી પીવાથી મોત થતા તંત્ર દોડતું થઇ ગયું છે.વિવેકનગર કોલોનીમાં ત્રણ દિવસથી 100થી વધુ લોકો દુષિત પાણી પીવાથી બીમાર પડતા તમામ લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપ કર્યા હતા કે જો જાન્યુઆરી મહિનામાં રજૂઆત કરી ત્યારે તંત્ર જાગ્યું હોત તો કદાચ આજે વિવેક નગરના લોકો બીમારીનો ભોગ બન્યા ના હોત.વિવેકનગર કોલોનીમાં પીવાના પાણીની લાઈન અને ગટર લાઈનનું પાણી ભેગું થતા પાણીજન્ય રોગે માથું ઉચકતા આખો વિસ્તાર ઝાડા ઉલટીમાં સપડાતા ફફડાટ મચી ગયો હતો. ખાસ કરીને બાળકો પણ કોલેરાનો ભોગ બનતા તંત્ર દોડતું થઇ ગયું હતું. હાલતો સુરત મહાનગર પાલિકાનું ડ્રેનેજ વિભાગ અને આરોગ્ય વિભાગ ઘટના સ્થળે દોડી આવી કામે લાગ્યા હતા. કઠોર સરકારી હોસ્પિટલમાં 50 દર્દીઓ અને ખાનગી હોસ્પિટલો મળી 100થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે.સુરત મહાનગર પાલિકા ગ્રામ્ય વિસ્તારનો શહેરમાં સમાવેશ તો કરે છે પણ સુવિધા આપવાના સદંતર નિષ્ફળ જાય છે. હાલમાં પણ કઠોરની ઘટનામાં પણ આવુ જ બન્યું છે. જો સુરત મહાનગર પાલિકા પીવાનું શુદ્ધ પાણી જનતાને આપી ના શકે તો ગ્રામ્ય વિસ્તારને શહેરમાં સમાવેશ શા માટે કરે છે સ્થાનિક નેતાઓએ તંત્રની બેદરકારી ગણાવી હતી.


