અમદાવાદ
અમદાવાદમાં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે મોટી લૂંટની ઘટના બની છે મોડી સાંજે શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી બે બાઇક સવારો સોનાના દાગીના ભરેલી મત્તા લૂટી ગયા હતા. લૂંટારૂઓએ કુલ ૩.૫૦ કરોડના દાગીના ભરેલી બેગ આંચકી લીધી હતી. કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર થયાની જાણ થતા સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસને જાણ કરતા જ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ દોડતી થઈ ગઈ છે. સી. જી. રોડ પર આવેલા એસ એસ તીર્થ ગોલ્ડ શોપમાં નોકરી કરતા પરાગ શાહ અને ધર્મેશ શાહ ૭ નવેમ્બરે સવારે સોનાના દાગીના ભરેલી બે બેગ લઈને અલગ અલગ જ્વેલર્સમાં દાગીના બતાવવા માટે ગયા હતા. તેઓ નરોડામાં આવેલ ઝવેરાત અને પ્રમુખ જ્વેલર્સ, નિકોલમાં ગિરિરાજ જ્વેલર્સ અને ત્યાર બાદ બાપુનગરમાં આવેલા ભવ્ય ગોલ્ડ પેલેસમાં દાગીના બતાવ્યા બાદ શાહપુર મેટ્રો સ્ટેશનથી સી. જી. રોડ પરત જઈ રહ્યાં હતા. તે દરમિયાન આ લૂંટનો બનાવ બન્યો હતો. ભોગ બનનાર સોનાના દાગીના ભરેલ બેગ એક્ટિવા પર લઈને શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને બે વ્યક્તિ આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલા શખ્સે બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે ભોગ બનનારે એક્ટિવા રોકતા એક્ટિવા નમી ગઇ હતી. જે પછી તકનો લાભ લઇ એક્ટિવા આગળ મુકેલી એક બેગ લઈને ફરાર થવામાં લુંટારૂઓ સફળ થયા હતા, પણ અન્ય એક બેગ રહી ગઈ હતી. લૂંટારુંઓ લઈ ગયેલા બેંગમાં ૭.૫ કિલો સોના દાગીના હતા. જેની આશરે ૩.૫ કરોડ રૂપિયા કિંમત થાય છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે ઉચ્ચ અધિકારી ઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ લુંટારૂઓ જે દિશામાં ફરાર થયા છે. ત્યાંના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પરતું શહેરમાં ચૂંટણી લઈ સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પોલીસ પેટ્રોલિંગ વચ્ચે લૂંટની ઘટના બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે લૂંટારૂઓને શોધી કાઢવામાં પોલીસને કેટલા સમય માં સફળતા મળે છે તે જાેવું રહ્યું.