Gujarat

ભગવાનની સેવાની વિધિ

સેવાની વિધિ,સેવામાં દૃઢતા અને સેવામાં કેવી ભાવના જોઈએ? એ બાબતમાં સંત નામદેવના ચરિત્રની એક કથા છે.નામદેવ ત્રણ વર્ષના હતા.ઘરમાં વિઠ્ઠલનાથજીની પૂજા થતી હતી.એકવાર તેમના પિતાને બહારગામ જવાનું થયું.પિતાએ નામદેવને પૂજાનું કામ સોંપ્યું.પિતાજી કહે છે કે બેટા ઘરના માલિક પ્રભુ પરમાત્મા છે.ઘરમાં જે કંઈ છે તે આપણું નથી પણ ભગવાનનું છે,તેમની સેવા કર્યા વગર ભોજન ખાઈએ તો પાપ લાગે, તેમને ભોગ અર્પણ કરી અને પ્રસાદરૂપે લઈએ તો દોષ નથી.

નામદેવ પૂછે છે કે બાપુજી ઠાકોરજીની સેવા કેમ કરવી તે મને બતાવો.પિતાજી સેવાની વિધિ સમજાવતાં કહે છે કે બેટા સવારે વહેલા જાગી સ્નાન કરી પવિત્ર થઇ તે પછી ભગવાનની પ્રાર્થના કરવી.પ્રાર્થના કરી લાલાજીને જગાડવાના.આપણે તો ભગવાનના સેવક છીએ.સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે તેમ લાલાજીને જગાડવાના. ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે લાલાજીને ભૂખ લાગે છે.

મંગળામાં માખણ-મિસરીનો ભોગ લગાવવાનો હોય છે.પ્રભુના ધીરે ધીરે ચરણ પખાળવા કે તેમને દુઃખ ન થાય. શ્રીઅંગ કોમળ છે તેવી ભાવના કરી તેમને સ્નાન કરાવવું પછી ભગવાનને શૃંગાર કરવાનો. વિઠ્ઠલનાથને પૂછવાનું આજે કયું પીતાંબર પહેરાવું? શૃંગાર કરવાથી શું ભગવાનની શોભા વધે છે? ના.. પરમાત્માને શૃંગારની જરૂર નથી એ તો સહજ સુંદર છે. નિત્ય સુંદર છે.શૃંગાર કરતી વખતે આંખ અને મન ભગવાનમાં જોડાય છે જેથી મન શુદ્ધ થાય છે.

મોટા મોટા યોગીઓને જે આનંદ સમાધિમાં બંધ આંખે મળે છે તેવો આનંદ વૈષ્ણવોને ઠાકોરજીના શૃંગારમાં ઉઘાડી આંખે મળે છે.યોગીઓને પ્રાણાયામ પ્રત્યાહાર કરવા પડે છે છતાં મન કોઈ વાર દગો આપે છે.ઝાડ નીચે બેસી ધ્યાન-ધારણા કરવાથી જે યોગીને જે સિદ્ધિ મળે તે સિદ્ધિ વૈષ્ણવોને ઠાકોરજીની સેવાથી મળે છે.લાલાજીની ઈચ્છા અનુસાર શૃંગાર કરો તે સેવા છે અને આપણી ઈચ્છા અનુસાર શૃંગાર કરીએ તે પૂજા છે.કનૈયાને વારંવાર પુછશો તો કનૈયો તમને કહેશે કે તેમની શું ઈચ્છા છે અને એટલો સમય જગત ભુલાશે અને માલિકમાં તન્મયતા થશે અને આનંદ થશે.

શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો, દૂધ ધરાવવાનું. વિઠ્ઠલનાથ શરમાળ છે વારંવાર પ્રાર્થના કરીએ છીએ ત્યારે આરોગે છે.સેવા પછી પ્રાર્થના કરવાની છે. એવું નથી કે સંસ્કૃતમાં જ પ્રાર્થના થાય. પોતાની માતૃભાષામાં પણ સ્તુતિ કરી શકાય.પ્રભુને તો બધી ભાષા આવડે છે.સ્તુતિ-પ્રાર્થના પછી કિર્તન કરવાના,તે પછી આરતી ઉતારવાની અને પછી ભગવાનને વંદન કરવાના. સ્તુતિમાં કોઈ ભૂલ થઇ હોય તો તે વંદન કરવાથી માફ થાય છે.સેવા પરિપૂર્ણ બને છે. સમાપ્તિમાં સાષ્ટાંગ પ્રણામ કરવાના.

નામદેવ નિર્દોષ બાળક હતા.પિતાએ કહેલી સર્વ વાત સાચી માની છે.બાળકના મનમાં આ વાત ઠસી ગઈ કે આ મૂર્તિ નથી પણ સાક્ષાત પરમાત્મા છે.બાળક નાનો હોય ત્યાં સુધી તેને સમજાવવામાં આવશે તો મૂર્તિમાં ભગવાન દેખાશે.મોટી ઉંમરનો થાય પછી તેને સમજાવવા જશો તો સામી દલીલ કરશે. ઘણા લોકો પણ મૂર્તિમાં શું ભગવાન છે? તેની દલીલ કરે છે.નામદેવના મનમાં ઠસી ગયું કે ભગવાન દૂધ પીશે, ભગવાન ભોગ જમશે.નામદેવ બાલ્યાવસ્થાથી જ ભક્ત હતા.તે દિવસે રાત્રે નામદેવને ઊંધ નથી આવતી.સવારે મારે વિઠ્ઠલનાથજીની સેવા કરવાની છે.

પ્રાતઃકાળમાં ચાર વાગે નામદેવ ઉઠ્યા છે.કિર્તન કરી પ્રેમથી ભગવાનને જગાડે છે.ઠાકોરજીના ચરણ પખાળી સ્નાન કરાવ્યું.સુંદર શૃંગાર કર્યો છે.વિઠ્ઠલનાથ પ્રસન્ન દેખાય છે.ઘરનાં ગરીબ હતા એટલે હીરામોતીની કંઠી ક્યાંથી અર્પણ કરી શકે? તુલસીની માળા અર્પણ કરી છે.ઠાકોરજીને ગોપીચંદનનું તિલક કર્યું છે.શૃંગાર થયા પછી ઠાકોરજીને ભૂખ લાગે છે.

આપણા હૃદયમાં પ્રેમ હોય તો તે પ્રેમ જ મૂર્તિમાં જાય છે અને મૂર્તિ ચેતન બને છે.પ્રેમ જડને ચેતન બનાવે છે.નામદેવ દૂધ લઇ આવ્યો છે.વિઠ્ઠલ તમે જગતને જમાડનાર છો.હું તમને શું જમાડી શકું? તમારૂં તમને અર્પણ કરૂં છું.

હે ગોવિંદ તમારી વસ્તુ જ તમને અર્પણ કરૂં છું. વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે.નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે.તે દૂધ પીતા નથી પણ કેવળ પ્રેમથી નામદેવને નિહાળી રહ્યા છે.નામદેવ કહે છે કે હું બાળક છું  આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો? દૂધ કેમ પીતા નથી? જલ્દી દૂધ પીઓ,તમને ભૂખ લાગી હશે. શું ખાંડ ઓછી પડી છે? દૂધ ગળ્યું નથી? એટલે દૂધ નથી પીતા?”

નામદેવ વધુ ખાંડ લાવીને દૂધમાં વધારે ખાંડ નાખે છે પણ હજુ વિઠ્ઠલનાથ દૂધ પીતા નથી. નામદેવ ઈશ્વરને વારંવાર વિનવણી કરે છે.લાલાજીને મનાવે છે છતાં લાલાજી દૂધ પીતા નથી.નામદેવનું હૃદય હવે ભરાણું છે.નામદેવ બાળકસહજ ભાવથી વિઠ્ઠલનાથજીને કહે છે કે વિઠ્ઠલનાથ.. દૂધ પીઓ નહિતર મારા પિતાજી મને મારશે.તે શું તમને ગમશે?

હવે વિચારે છે કે મારાથી કોઈ ભૂલ તો નહિ થઇ હોય ને? એટલે કહે છે કે મારી ભૂલ થઇ હોય તો ક્ષમા કરો.પિતાજીએ બતાવ્યા મુજબ મેં સેવા કરી છે.પિતાજીએ કહ્યું હતું કે વિઠ્ઠલનાથ અતિ ઉદાર છે.તે ભક્તના અપરાધને ક્ષમા કરે છે.શું આપ મને ક્ષમા નહિ કરો? હવે નામદેવ થોડા અકળાણા છે. વિઠ્ઠલ તમે દૂધ પીશો નહિ,ભૂખ્યા રહેશો તો હું પણ ભૂખ્યો રહીશ.

હવે વિચારે છે કે માલિકને બહુ મનાવ્યા પણ માનતા નથી.માલિક નારાજ થયા છે તો આ જીવન શું કામનું? અતિશય વ્યાકુળ થયા છે એટલે હવે વિઠ્ઠલનાથજીને કહે છે કે આ હવે છેલ્લી વાર તમને કહું છું. તમે દૂધ પીઓ, હવે જો તમે દૂધ નહિ પીઓ તો તમારાં આગળ માથું પછાડી મરી જઈશ.

વિઠ્ઠલનાથજી બાળકની કાલીઘેલી વાતો સાંભળવામાં મસ્ત બન્યાં છે.તેમને દૂધ પીવાનું યાદ આવતું નથી પણ જ્યાં જોયું કે હઠે ચડેલ નામદેવ હવે માથું પછાડવા તૈયાર થયો છે કે માલિકે દૂધનો કટોરો ઉઠાવ્યો છે.નામદેવના અતિશય પ્રેમથી આજે જડ મૂર્તિ ચેતન બની છે.વિઠ્ઠલનાથ સાક્ષાત થયા છે અને દૂધ પીએ છે. નામદેવ આશ્ચર્યથી હર્ષથી વિઠ્ઠલનાથને દૂધ પીતા જોઈ રહ્યા છે,નામદેવને પરમાનંદ થયો છે.

માલિક દૂધ પીએ છે અને કટોરો ખાલી થતો નામદેવે જોયો. હવે તેમનું બાળક દિલ કહે છે કે વિઠ્ઠલનાથ જો બધું દૂધ પી જશે તો મારા પ્રસાદનું શું? મારે માટે પ્રસાદ નહિ રાખે? એટલે હવે તે જ બાળક સહજ ભાવથી લાલાજીને કહે છે કે વિઠ્ઠલનાથ તમને આજે શું થયું છે? તમે એકલા જ બધું દૂધ પી જશો? મને પ્રસાદ નહિ આપો? બાપુ તો મને રોજ પ્રસાદ આપે છે.

બાળકના અતિશય પ્રેમ આગળ બધું જ ભૂલી ગયેલા માલિકને હવે યાદ આવે છે.બાળક માટે પ્રસાદ રાખવાનો છે.દૂધ પીવાનું બંધ કરી વિઠ્ઠલનાથ નામદેવ તરફ જુએ છે,નામદેવની કાલીઘેલી વાણી સાંભળી પ્રભુ ગદગદ થયા છે.મુખ પર હાસ્ય આવ્યું છે.નામદેવને ગોદમાં લીધો છે અને જાતે નામદેવને દૂધ પાય છે.આ પ્રમાણે સેવાનો ક્રમ બતાવ્યો. સેવા માર્ગ અતિદિવ્ય અતિસુંદર છે.મોટા મોટા મહાત્માઓ પણ પાંડિત્ય છોડી બાળકના જેવા બની ભગવાનની સેવા કરે છે.પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ હોઈ શકે? પરમાત્માને કેવળ પ્રેમની ભૂખ છે.સેવા અને સ્મરણથી પરમાત્મા પરતંત્ર બને છે અને ભક્તને આધીન બને છે. પ્રભુ અને ભક્તનો એક સંબંધ થાય છે. સેવા કરતાં કરતાં હૃદય પીગળે,સેવામાં નટખટ લાલાજીને લાડ લડાવતાં તેમની જોડે પ્રેમની થોડી થોડી વાતો કરતાં માલિકને મનાવવામાં કે પ્રભુથી પ્રેમથી થોડાં રૂસણા લેતાં કે મીઠી ફરિયાદ કરતાં જો આંખમાંથી હર્ષનાં આંસુ નીકળે તો માનવું કે સેવા સફળ થઇ છે એ જ સમાધિ છે.

જો અમારી ભક્તિ પૂજા પાઠ સુધી સિમિત ના હોય તો ચોક્કસ અમે અમારૂં માનવીય સ્વરૂ૫ જોઇ શક્યા હોત.માનવ પૂજા તો ભગવાનની કરે છે,પરંતુ તેમના આદર્શ માનતા નથી.ભગવાન શ્રી રામ શબરીના આશ્રમમાં સામેથી ગયા,પરંતુ આજે અમે જાતિઓની દિવાલ મોટી કરી રહ્યા છીએ.જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..?૫રમાત્મા એક જ છે.જ્યારે અમે ભગવાન રામ અને ખુદાને એક જ માનીએ છીએ તો તેમનો ૫રીવાર અલગ કેવી રીતે હોઇ શકે..? જ્યારે અમે એકને જાણીશું તો જ એકતા સંભવ છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *