ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં જન જાગૃતિ અર્થે જિલ્લાની શાળાના બાળકોએ બેનરો સાથે વિશાળ રેલી યોજી હતી. આ રેલીનો પ્રારંભ ગાંધીનગરનાં સેકટર – ૨૩ ની આર.જી. કન્યા વિદ્યાલય, કડી સંકુલ ખાતે કરવામાં આવ્યો હતો. અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિ ફેલાય તે માટે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને એસવીઈઈપી-સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સવારે શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં મતદાન જાગૃતિનાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંકુલના આર.જી. કન્યા વિદ્યાલયના ગેટ નંબર- ૭ ખાતેથી ઘ-૬ સર્કલ થી ઘ-૫ સર્કલ થઈ આર.જી. કન્યા વિદ્યાલયના ગેટ-૭ ખાતે પરત ફરી હતી. આ રેલીમાં અંદાજે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ જાેડાયા હતા. રેલી દરમ્યાન બાળકો મતદાન જાગૃત્તિ અર્થે બેનર લઈને માર્ગો પર રેલી સ્વરૂપે નીકળી મતદાન જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ શાળાનાં બાળકો દ્વારા આ પ્રકારની મતદાર જાગૃતિ રેલી સ્થાનિક કક્ષાએ યોજવામાં આવી હતી.
