Gujarat

વિશ્વના ૯ દેશો જેવી ભારતના લોકો પ્રામાણિકતા અપનાવી લે તો…..!?

વિશ્વભરના કુલ ૧૯૧ દેશોમાંથી માત્ર ૯ દેશોને પ્રામાણિક ગણવામાં આવે છે. આ દેશોની ઈમેજ પ્રમાણિક દેશો તરીકેની છે. જાેકે ભારત ૯૫ ક્રમાંકે આવે છે. પ્રમાણિક દેશોમાં પ્રથમ ૧૦ દેશોમાંથી માત્ર ૯ દેશોનો સમાવેશ થાય છે… જેમાં ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે નેધરલેન્ડ, સ્વિડન, સિંગાપોર, સ્વિટ્‌ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા નો નંબર આવે છે.આ પ્રમાણિક નવ દેશોના લોકો સુખી અને સમૃદ્ધ છે ત્યાંના લોકોને જરૂરી તમામ સગવડો- સુવિધા માત્ર એક જ રજૂઆત કરતાં તંત્ર કરી આપે છે અને તેના માટે કોઈને લાંચ આપવી પડતી નથી કે લાગવગ લગાવવી પણ નથી પડતી. આ નવ દેશો પૈકી એક પણ દેશમાં ક્યાંય પણ સત્યનારાયણની કથા, રામ કથા, ભાગવત સપ્તાહ થતા નથી કે એવી કોઈ ધાર્મિક રથયાત્રાઓ નીકળતી નથી. હનુમાનજીના કે રામ ભગવાનના કે કોઈ દેવી-દેવતાઓના મંદિરો નથી કે તે બાબતે ધાર્મિક ઉત્સવો થતા નથી. ચોકે ચોંટે નાના-મોટા મંદિરો, દરગાહો, કે કોઈ ધર્મસ્થાનો નથી. તેમજ કોઈપણ ભીખ માગતું જાેવા મળતું નથી. જ્યારે નોંધનીય બાબત એ છે કે આ પ્રમાણિક નવેય દેશોમાં એક પણ બાવા, સાધુ- સંતો, મુનિઓ, પંડિત- પુરોહિતો છે જ નહીં. આ દેશોમા પાપ-પૂણ્ય, સ્વર્ગ- નર્ક જેવા શબ્દો જ નથી અને નોનવેજ તેઓનો આહાર છે છતાં ભારતીયો કરતાં હજારો ઘણા સુખી છે. પરંતુ આ દેશોના નાગરિકોનો સૌથી મોટો ગુણ પ્રમાણિકતાનો છે. આ દેશોની સામે ભારતમાં અગણિત દેવી-દેવતાઓ, ચોકે ચોકે નાના મોટા મંદિરો, બાવાઓ, સાધુ- સંતો, પંડિતો કે પુરોહિતો જાેવા મળે છે. લોકો કંદમૂળ- લસણ, ડુંગળી નથી ખાતા પરંતુ લાંચ…..! ધનતેરસે લક્ષ્મીપૂજન કરે અને એ જ લક્ષ્મી માતાને ડાન્સબાર, દારૂના અડ્ડાઓ,ડાયરાઓ તથા કિર્તીદાનમા ઉડાડી લક્ષ્મીજીનું અપમાન કરે. મા-બાપને ભગવાન ગણાવે છે પરંતુ મિલકત સાથે મા-બાપને પણ વેચી લેતા હોય છે તો કેટલાક સંતાનોને કારણે ઘરડાઘરનો આશરો લેવો પડતો હોય છે. જાેકે ગ્રામ્ય વિસ્તારોમાં એકાદ અપવાદ સિવાય આવુ નથી કારણ સમાજનો ડર આજે પણ પ્રવર્તી રહ્યો છે……!
અહીં ભારતમા ધર્મગુરૂઓ લસણ, ડુંગળી, કંદમૂળ ન ખાવાની અને દારૂ ન પીવાની કે તમાકુ બનાવટોનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવે છે….. પરંતુ લાંચ, હરામના રૂપિયા કે સંપત્તિ ન લેવાની પ્રતિજ્ઞા લેવડાવતા નથી. તો છેલ્લા કેટલાક સમયથી ધર્મની આડમાં કે ઓથે એવી અધટીત,શરમ જનક ઘટનાઓ ઘટી છે કે તેનો ઉલ્લેખ અહીં કરવો યોગ્ય નથી…. બાકી લગભગ દેશના લોકો આવી ઘટનાઓ જાણે છે આપણે ત્યાં અગિયારસના ઉપવાસ, વૃતના ઉપવાસો, મૃત્યુ પછીની ખર્ચાળ ક્રિયાઓ છે જે વિશ્વના પ્રામાણિક કહેવાતા ૯ દેશોમાં નથી. ત્યાંના લોકોની સમજ છે કે સત્કર્મ અને પ્રામાણિક વ્યવહારથીજ રોજી- રોટી છે અને તેનાથી ધર્મ છે… ત્યારે દેશવાસીઓએ આ નવ પ્રમાણિક દેશોના નાગરિકો જેવી નીતિ રિતી, રિતભાત અપનાવવાની જરૂર છે. તેમજ ધર્મ, જ્ઞાતિ-જાતિના વાડાઓ,પ્રાતીયતા ભૂલી દરેકે પોતાની ફરજ દેશના હિતમાં બજાવવાની જરૂર છે, તેમજ ઈમાનદાર- પ્રમાણિક નેતાઓને પસંદ કરવાની જરૂર છે, દેશના લોકોએ જે તે પક્ષના નેતાઓની વાતોમાં આવ્યા સિવાય દેશનું હિત,પ્રજાહિત વિચારી નેતાઓને પસંદ કરે તો દેશની એકતા અખંડ બની રહેશે. દેશમાં બેકારી નહી? રહે, કોઈ ભીખારી નહીં રહે અને લોકો સુખી થઈ જશે….. પરંતુ શરત એટલી જ પ્રમાણિક બનો પ્રમાણિક પણે દરેક કાર્ય કરો અને પ્રમાણિક લોકોને જ પસંદ કરો….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *