પટણા
બિહારની રાજધાની પટનામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજીત કુમાર ૨ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. ૨ લાખની લાંચ લેતા સંજીત કુમારની વિજિલન્સ ટીમે રંગે હાથે ધરપકડ કરી છે. ધરપકડ બાદ એન્જિનિયરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સંજીત કુમારના ઘરેથી લગભગ ૧ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.દસ્તાવેજાે અને બેંક ખાતાઓની વિગતો પણ મળી આવી છે, જે કેસની દૃષ્ટિએ તકેદારી ટીમ માટે મહત્વપૂર્ણ છે. મળતી માહિતી મુજબ આજે પણ દરોડા ચાલુ રહેશે. સ્થાનિક અખબાર મુજબ લગભગ છ વર્ષ પહેલા સંજીત કુમારને કાર્યકારી એન્જિનિયરના પદ પર પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. છેલ્લા કેટલાક મહિનાઓથી વિજિલન્સ ટીમને સતત તેમની ફરિયાદો મળી રહી છે. કૉન્ટ્રાક્ટરે કામ કરાવવાના બદલામાં રૂ. છ લાખની લાંચની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. સોદા મુજબ લાંચનો પ્રથમ હપ્તો ગર્દનીબાગ વિસ્તારમાં ૨ લાખ રૂપિયા નક્કી થયો હતો. ત્યારે ગર્દનીબાગ વિસ્તારમાં સંજીતકુમારે બે લાખ રૂપિયા લેવા માટે હાથ લંબાવતા જ વિજિલન્સ ટીમે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. સંજીત કુમાર ભૂતકાળમાં પણ ઘણા વિવાદોમાં રહ્યા છે. આશરે એક વર્ષ પહેલા બિલ્ડીંગ કન્સ્ટ્રકશનની સેન્ટ્રલ ડિવિઝનલ ઑફિસમાં એક ડઝન જેટલી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. કહેવામાં આવી રહ્યુ હતુ કે ઑફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. તે દરમિયાન નશામાં ધૂત એક કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી હતી. કાર્યપાલક ઈજનેર સંજીતકુમારે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એ વખતે કહ્યુ હતુ કે ખાલી બોટલો કોઈ બીજાએ રાખી હશે.


