Gujarat

કચ્છમાં ૧૦૦ કરોડથી પણ મોટા હવાલા કૌભાંડની શરૂ થઇ તપાસ

કચ્છ
રાજ્યમાં ચૂંટણી પૂર્વે કચ્છમાં આવકવેરા વિભાગની ૩૦થી વધુ ટીમની દરોડાની કાર્યવાહીમાં આશરે રૂ. ૨૨ કરોડની બેનામી મતા મળી આવી હતી. આ દરમિયાન આચારસંહિતાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરને અહેવાલ અપાયો હતો, પરંતુ વિવિધ દસ્તાવેજાેની તપાસ પછી આવકવેરા ખાતાની સાથે અન્ય એજન્સીઓની પણ આંખો પહોળી થઇ જાય તેવા મોટા હવાલા કૌભાંડના સંકેત મળ્યા હતા. એવું કહેવાય છે કે, આ દિશામાં જાે કોઇ રાજકીય વગ કામ નહીં કરી જાય તો મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની ભીતિ સેવાઈ રહી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર આ સામૂહિક દરોડામાં આવકવેરા અધિકારીઓને વિવિધ વેપારીઓના બેનામી વ્યવહારોના મજબૂત પુરાવા મળ્યા છે. કચ્છમાં દાન કરવાના નામે કેટલાક ઉદ્યોગગૃહો સુધી પણ આ રેલો જતો હોવાથી અનેકની ઊંઘ ઊડી ગઇ છે. આમ, આવકવેરા વિભાગને માટે ‘છીંડું શોધતા લાધી પોળ’ જેવો ઘાટ સર્જાયો છે અને તેથી જ ચૂંટણીના કારણે આ તપાસમાં ચૂપચાપ ઝડપ આવી ગઈ છે અને સામા પક્ષે ‘ઘીના ઠામમાં ઘી’ પડી રહે અને કુલડીમાં જ ગોળ ભંગાઇ જાય તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ તપાસમાં માલુમ પડ્યું છે કે ભુજ સ્થિત નવનિર્મિત ખાનગી હોસ્પિટલનું અમદાવાદની જાણીતી હોસ્પિટલ સાથે જાેડાણ થયું છે. દેશ-દુનિયામાં જે દાતાઓએ કરુણા ભાવથી હમવતનીઓને ઉપયોગી થવાના હેતુથી દાન આપ્યું હતું તે દાનની રકમ કેટલાક લોકોએ સિફતપૂર્વક દાતાઓને અંધારામાં રાખીને હેરફેર કરી નાખી છે. આ હેરફેરની રકમનો આંકડો રૂ. ૧૦૦ કરોડથી વધુનો થવા જાય છે. આ ભેજાબાજાેએ દાતા પાસેથી આફ્રિકાના જે તે દેશના ચલણમાં નાણાં લીધા છે અને તેના બદલામાં પોતાના ત્યાંના ધંધા-વેપારનાં નાણાંના હિસાબો સેટ કર્યા છે. બાદમાં તે વ્યવહારો અહીં ભારતીય ચલણમાં બતાવી દીધા છે. એટલું જ નહીં આફ્રિકાના જે દેશમાંથી દાન આવ્યું છે ત્યાં આ લોકોએ સરકાર સાથે પણ કરાર કરીને અંગત વ્યવસાય સેટ કર્યા છે, પરંતુ તે વ્યવહારોમાં સેવાનો હેતુ જ બતાવાયો હોવાથી અત્યાર સુધી કશું બહાર આવ્યું નથી. કચ્છ સ્થિત એકથી વધુ મોટાં ઉદ્યોગૃહોએ આ સેવાની યોજનામાં કરોડોનું દાન આપ્યું છે. આ ઉદ્યોગગૃહો પર આક્ષેપ છે કે, તેમણે આફ્રિકન દેશમાં મીઠાનું ઉત્પાદન, બટાકાની ખેતી અને મોટા બાંધકામમાં ભાગીદાર બતાવીને દાન અપાયું છે અને આ રીતે કાળું નાણું સફેદ કરી અપાયું છે. સૂત્રોનું સાચું માનીએ તો, આફ્રિકાની નાઇલ નદીની નહેરમાંથી પાણી ખેંચીને એક વિશાળ સરોવરનું પણ નિર્માણ કરાવાયું છે અને ભારતમાં જેમણે દાન આપ્યું છે તેમને મોટી મોટી રકમ ત્યાં ‘સેટ’ કરી આપીને આર્થિક લાભ કરાવી અપાયો છે. આ ઉપરાંત બે હોસ્પિટલોના જાેડાણમાં જે કરાર થયા છે તેનો પણ આર્થિક લાભ લઇ ‘મોટી ભાગબટાઇ’ કરાઇ છે. નોંધનીય છે કે, ખુદ વડાપ્રધાન વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું તેવી કચ્છની જરૂરિયાત સમી ખાનગી હોસ્પિટલનું સફળ નિર્માણ થતા ઇર્ષા અને ધંધાકીય સ્પર્ધામાં કોઇએ આ બધા કાળાં વ્યવહારોનો પટારો જાણે-અજાણે ખોલી નાંખ્યો છે અથવા તો ઉમદા સેવાભાવ ધરાવતી યોજનાને બદનામ કરવા ઉપજાવી કાઢ્યો છે. જાેકે, હાલ આવકવેરા ખાતું મસમોટા હવાલા કૌભાંડ તરીકે તેની તપાસ કરી રહ્યું છે, પરંતુ બે દેશ વચ્ચેનો ‘હાઇ પ્રોફાઇલ’ મામલો હોવાથી તેમજ રાજકીય પરિબળો પણ સક્રિય હોવાથી તેઓ સાવચેતીથી આગળ વધી રહ્યા છે. અહીં કેટલાક લોકોએ આફ્રિકન દેશમાંથી દાતા શોધીને તેમની પાસેથી ત્યાંના ચલણમાં સત્તાવાર દાન લીધું છે. આ સાથે ત્યાં ખેતીની જમીન ખરીદીને અમુક ઉત્પાદન માટે લીઝ કરાર કર્યા છે. એ માટે તે દેશ આ ઉત્પાદનની બીજે ક્યાંયથી આયાત ન કરે, પરંતુ આ લીઝ કરારવાળા પાસેથી જ ખરીદે તેવા લખાણો કરાવીને દાનની રકમ એ ખેત ઉત્પાદનની બતાવાઇ છે. બીજી તરફ, કચ્છમાં ભારતીય ચલણમાં દાતાઓની રકમ જાહેર કરીને બારોબાર મસમોટો ફાયદો ઉઠાવી લીધો છે. સૂત્રોના મતે, આઈટીના દરોડામાં લોકરમાંથી જે દસ્તાવેજાે મળ્યા તે જાેઈને તપાસ અધિકારીઓ આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા. તેનું કારણ એ હતું કે, દસ્તાવેજાેમાં દરોડાની નોંધો અને લીઝ કરારનો પણ ઉલ્લેખ હતો. આ તમામ દસ્તાવેજાેની સાથે હોસ્પિટલના નિર્માણના મહત્ત્વના દસ્તાવેજાે પણ હતા, જે હવે જપ્ત થઇ ગયા છે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *