રાજકોટ
ધોરાજીમાં ચૂંટણી ફરજ દરમિયાન બેદરકારી દાખવનારા બીએલઓ શિક્ષિકાને અંતે જિલ્લા શિક્ષણાધિકારીએ સસ્પેન્ડ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. ધોરાજીના કે.ઓ. શાહ કોલેજના મતદાન મથક ખાતે બીએલઓ તરીકે ફરજ બજાવતાં મહીલા શિક્ષીકા જાેસનાબેન રાબડીયાના પતિ રાજૂભાઈને બીએલઓ તરીકે ફરજ બજાવતા હોવાની લોકોને જાણ થતાં ચૂંટણી પંચને રજૂઆત કરી હતી અને તાડબતોબ તેમને ઉઠાડી દેવાયા હતા અને તેમના પત્નીને ફરજમુક્ત કરાયા હતા. બાદમાં મામલો શિક્ષણાધિકારી સમક્ષ પહોંચ્યો હતો અને શિક્ષિકાને સસ્પેન્ડ કરાયા છે. ધોરાજીના કે.ઓ. શાહ કોલેજના મતદાન મથક ખાતે જાેસનાબેનને બીએલઓની ફરજ સોંપવામાં આવી હતી અને તેના બદલે શરૂઆતના કલાકોમાં તેમના પતિ રાજુભાઇ બેઠા હતા. લોકોએ તેનો રિપોર્ટ ચૂંટણી અધિકારીને કરતાં તે રિપોર્ટના આધારે ધોરાજી શાળા નંબર ૧૧ ના પ્રાથમિક શિક્ષક જાેસનાબેન રાબડીયા વિરુદ્ધ રાષ્ટ્રીય કામગીરીમાં બેદરકારી દાખવા બાબતે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૨૬નું ઉલ્લંઘન કરેલું હોય તેમ જ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અધિનિયમ ૧૯૯૭ ની કલમ ૫ હેઠળ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૈલાએ જણાવ્યું હતું કે તેમના સસ્પેન્ડનો ઓર્ડર ધોરાજી તાલુકા પંચાયત શિક્ષણ અધિકારીને આપી દેવાયો છે અને જાેસનાબેનને સસ્પેન્ડ આવેલ છે. ધોરાજી નાયબ કલેક્ટર જયેશ લિખિયાએ જણાવ્યું હતું કે ધોરાજીમાં બીએલઓ પત્નીના બદલે ફરજ પર બેઠેલા તેમના પતિ સામે પગલા ભરવા માટે રીપોર્ટ કરાયો હતો. મહિલા બીએલઓ કર્મચારી સામે વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય ફરજ બજાવવામા બેદરકારી દાખવવા મામલે લોક પ્રતિનિધિત્વ ધારા તળે આકરી કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા કલેક્ટરને રીપોર્ટ કરાયો હતો. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ બાબતનો રિપોર્ટ પહોંચાડતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરાઇ છે.


