Delhi

શિવસેનાના મુખપત્રમાં પ્રધાનમંત્રી મોદીના વખાણ, ગુજરાતમાં મોદી લહેર અંગે કહી વાત

નવીદિલ્હી
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ૧૫૬ બેઠકો જીતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં આટલી મોટી જીત મળ્યા બાદ દરેક જણ ભાજપના વખાણ કરી રહ્યું છે. આ બધા વચ્ચે શિવસેનાના મુખપત્ર સામનામાં પણ પીએમ મોદીના વખાણ કરવામાં આવ્યા છે. સામનાના સંપાદકીયમાં ગુજરાતની અંદર મોદી લહેર મેજિકના વખાણ થયા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવ્યો. સામનાના સંપાદકીયમાં કહેવાયું છે કે ગુજરાતમાં ફક્ત મોદી લહેરથી જીત મળી. જાે કે હિમાચલ પ્રદેશ અને એમસીડીમાં ભાજપની હાર પર સવાલ પણ ઉઠાવવામાં આવ્યા. સામનામાં કહેવાયું કે ત્યાં મોદી મેજિક ન ચાલ્યો. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી સામનામાં ભાજપ અને પીએમ મોદી અંગે અનેક આકરી ટિપ્પણીઓ કરાઈ હતી. આથી ગુજરાત જીત બાદ સામનાના સંપાદકીયમાં પીએમ મોદીના વખાણ થાય તે ચોંકાવનારું છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૬ વિધાનસભા બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને ફાળે ફક્ત ૧૭ બેઠકો આવી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ૫ બેઠકો મળી. સમાજવાદી પાર્ટીને પણ એક સીટ મળી જ્યારે અપક્ષોના ફાળે ૩ બેઠક ગઈ. નોંધનીય છે કે આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મતની ટકાવારીમાં ગત વર્ષ કરતા ૪ ટકાનો વધારો થયો છે. ભાજપને આ વખતે ૫૩ ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને ૨૭ ટકા મત મળ્યા. આપને ૧૩ ટકા મત મળ્યા.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *