કાબુલ
કાબુલ યુનિવર્સિટીનું અચાનક બંધ થવું તાલિબાનની કડક શિક્ષણ નીતિને દેખાડે છે. તેમના મતે મહિલાઓને માત્ર પરંપરાગત કપડામાં જ કોલેજ આવવાની મંજૂરી અપાશે અને તેમને પુરુષોથી અલગ રખાશે. તાલિબાનની તરફથી નિયુક્ત કાબુલ યુનિવર્સિટીના નવા કુલપતિએ આ સપ્તાહે ટ્વીટ કરીને કહ્યું કે જ્યાં સુધી તમામ માટે એક ઇસ્લામિક વાતાવરણ બનતું નથી ત્યાં સુધી મહિલાઓને યુનિવર્સિટીમાં આવવાની મંજૂરી અપાશે નહીં. તેમણે કહ્યું કે ઇસ્લામ સૌથી પહેલાં. સરકારના પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે અધિકારી વિદ્યાર્થીનીઓ માટે એક શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. વોશિંગ્ટન પોસ્ટ સાથે વાત કરતાં કરીમીએ કહ્યું હતું કે યોજનાને આખરી ઓપ આપ્યા બાદ તેમને અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી મળશે નહીં. બુધવારના રોજ કાબુલ યુનિવર્સિટીની કેટલીય મહિલા વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓને ઘરે મોકલી દીધા. તેમણે તાલિબાનના આ ર્નિણય પર ચિંતા વ્યકત કરી.કાબુલ યુનિવર્સિટીમાં તાલિબાને તાળું મારી દીધું છે અને તેની સાથે જ તાલિબાનીઓએ શિક્ષણને લઇ પોતાનું સૌથી મોટું વચન તોડી નાંખ્યું છે. તાલિબાનના આ કઠોર ર્નિણયથી મહિલાઓ ચિંતિત છે. તાલિબાનના અધિકારીઓ ગયા સપ્તાહે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સરકારી યુનિવર્સિટીમાં મહિલાઓના ભણાવવા અને ભણવા પર પ્રતિબંધ મૂકી દીધો, જ્યાં સુધી તેમને પુરુષોથી અલગ કરી દેવામાં ના આવે. પરંતુ કાબુલ યુનિવર્સિટીને તો મહિલાઓ અને પુરુષો બંને માટે બંધ કરી દેવાઇ છે. બુધવારના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં સન્નાટો વ્યાપી ગયો અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા. તમામ કલાસ સસ્પેન્ડ કરી દીધા અને માત્ર પુરુષ કર્મચારીઓને જ ઓફિસ અને રિસર્ચ સંબંધિત કામ કરવાની મંજૂરી આપવામાં આવી.