એક રાજા ઘણા જ ધર્માત્મા,ન્યાયકારી અને પરમેશ્વરના પરમ ભક્ત હતા.તેમને મહેલમાં ભગવાનનું મંદિર બનાવડાવ્યું અને પૂજા કરવા માટે એક બ્રાહ્મણને પૂજારી તરીકે નિયુક્ત કર્યા.આ બ્રાહ્મણ સદાચારી, ધર્માત્મા અને સંતોષી હતા.આ પૂજારી રાજા પાસે ક્યારેય કોઇ યાચના કરતા ન હતા.રાજા પણ પૂજારીના સ્વભાવથી ઘણા પ્રસન્ન હતા.રાજાના મહેલમાં આવેલ મંદિરની પૂજા કરતાં કરતાં વીસ વર્ષ પસાર થાય છે. તેમને ક્યારેય રાજાને કોઇપણ પ્રકારનો પ્રશ્ન કર્યો નથી.
રાજાને ત્યાં એક બાળકનો જન્મ થાય છે.રાજાએ તેને ભણાવી ગણાવીને મહાન વિદ્વાન બનાવ્યો અને મોટો થતાં તેનું લગ્ન એક સુંદર રાજકન્યા સાથે કરાવવામાં આવે છે.લગ્ન કરીને જે દિવસે રાજકન્યાને મહેલમાં લાવવામાં આવે છે તે રાત્રીએ રાજકુમારીને ઉંઘ આવતી નથી.તે રાજમહેલમાં બધે ફરે છે.તે જ્યારે પોતાના પતિના પલંગની પાસે આવે છે ત્યારે તેની નજર હીરા ઝવેરાત જડીત મુઠવાળી એક તલવાર ઉપર પડે છે.
રાજકન્યાએ જોવા માટે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી તો તિક્ષ્ણ ધારવાળી અને વિજળી સમાન પ્રકાશમાન તલવારને જોઇને તે ભયભીત થાય છે અને તેના હાથમાંથી તલવાર નીચે સૂતા રાજકુમારની ગરદન ઉપર પડે છે અને રાજકુમારનું મસ્તક કપાઇ જાય છે અને રાજકુમારનું મૃત્યુ થાય છે.રાજકન્યાને પતિના મૃત્યુનું ઘણું જ દુઃખ થાય છે અને પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મારાથી ઓચિંતું આ પાપ કેવી રીતે થઇ ગયું? મારા હાથે જ મારા પતિનું મૃત્યુ થઇ ગયું છે તે આપ તો જાણો છો પરંતુ સભામાં કે જાહેરમાં હું આ સત્યને કહીશ તો મારા માતા-પિતા અને સાસુ-સસરાને કલંક લાગશે અને મારી વાત ઉપર કોઇ વિશ્વાસ નહી કરે.
સવારમાં પૂજારી જ્યારે કૂવા ઉપર સ્નાન કરવા માટે આવે છે ત્યારે રાજકન્યા દૂરથી તેમને જોઇને વિલાપ કરતાં બૂમો પાડે છે કે મારા પતિને કોઇએ મારી નાખ્યા છે આ સાંભળીને નગરના લોકો ભેગા થઇ જાય છે,તે સમયે રાજા પણ ત્યાં આવે છે અને પુછે છે કે રાજકુમારને કોને માર્યા છે? ત્યારે રાજકન્યા કહે છે કે હું તેમને ઓળખતી તો નથી પરંતુ તેને મેં ભગવાનના મંદિરમાં જતો જોયો હતો.રાજા તથા તમામ લોકો ઠાકોરજીના મંદિરમાં જાય છે ત્યારે પૂજારી પૂજા કરી રહ્યા હતા.પૂજારીને પકડીને પુછવામાં આવે છે કે તમે રાજકુમારને કેમ માર્યો છે? ત્યારે પૂજારી કહે છે કે હું ઇશ્વરની સાક્ષીએ કહું છું મેં રાજકુમારને માર્યો નથી.મેં તો રાજકુમારનો મહેલ પણ જોયો નથી.જોયા વિના,કોઇ સાબિતી વિના કોઇની ઉપર અપરાધનો ખોટો દોષ લગાવવો યોગ્ય નથી.
બ્રાહ્મણની સત્ય વાત કોઇ સાંભળતું નથી અને લોકો કંઇનું કંઇ બોલ્યે જાય છે.રાજા પૂજારીને સારી રીતે ઓળખતા હતા.રાજાના મનમાં વારંવાર એ જ વિચાર આવતો હતો કે આ પૂજારી નિર્દોષ છે પરંતુ સમગ્ર ભેગા થયેલા નગરજનોના કહેવાથી રાજાએ બ્રાહ્મણને કહ્યું કે..હું તમોને પ્રાણદંડ આપતો નથી પરંતુ જે હાથથી તમે મારા પૂત્રની હત્યા કરી છે એ હાથને કાપી નાખવાનો આદેશ આપું છું આમ કહીને રાજાએ પૂજારીનો એક હાથ કપાવી નંખાવ્યો.આમ કરવાથી બ્રાહ્મણને ઘણું દુઃખ થાય છે અને રાજાને અધર્મી સમજીને તેના રાજ્યનો ત્યાગ કરીને દૂર ચાલ્યા જાય છે.
બ્રાહ્મણ વિચાર કરે છે કે કોઇ વિદ્વાન જ્યોતિષ મળી જાય તો મારે તેમને વિના અપરાધ મારો હાથ કાપી નાખવાનું કારણ પુછવું છે.કોઇકે કહ્યું કે કાશીમાં એક વિદ્વાન જ્યોતિષ છે.સરનામું લઇને બ્રાહ્મણ તેને ઘેર પહોંચે છે.જ્યારે તેઓ જ્યોતિષના ઘેર પહોંચે છે ત્યારે તેઓ બહાર ગયેલા હતા.તેમની ધર્મપત્ની ઘેર હતી તેમને પુછ્યું કે માતાજી..આપના પતિ જ્યોતિષજી મહારાજ ક્યાં ગયા છે અને ક્યારે આવશે? ત્યારે તે સ્ત્રીએ અયોગ્ય,અસહ્ય,દુર્વચન કહ્યા જેને સાંભળીને બ્રાહ્મણને ઘણી જ નવાઇ લાગે છે,તે મનોમન વિચારે છે કે હું તો મારો હાથ કપાઇ જવાનું કારણ પુછવા અહી આવ્યો હતો પરંતુ મારે હવે સૌ પ્રથમ આ જ્યોતિષની હાલત વિશે જાણવું છે.એટલામાં જ જ્યોતિષજી આવી જાય છે.ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ તેમની પત્નીએ અનેક દુર્વચનો કહીને તેમનો તિરસ્કાર કર્યો તેમછતાં જ્યોતિષજી મૌન રહે છે અને પોતાની પત્નીને કશું જ કહેતા નથી અને પોતાની ગાદી ઉપર જઇને બેસી જાય છે અને બ્રાહ્મણને કહે છે કે પધારો બ્રહ્મદેવતા શા માટે અહી આવવાનું થયું છે?
બ્રાહ્મણ કહે છે કે હું આવ્યો હતો તો મારા વિશે પુછવા પરંતુ પહેલાં આપ આપના વિશે મને કહો કે આપ આટલા મહાન જ્યોતિષ હોવા છતાં આપની પત્ની આપનો આટલો બધો તિરસ્કાર કેમ કરે છે? કે બીજો કોઇ સામાન્ય માણસ તેને સહન ના કરી શકે જે આપ સહન કરો છો તેનું કારણ શું છે.
જ્યોતિષજી કહે છે કે આ મારી પત્ની નહી પરંતુ મારૂં કર્મ છે.દુનિયામાં આપણે જેને પણ જોઇએ છીએ મળીએ છીએ તે માતા-પિતા, ભાઇ-બહેન, ગુરૂ-શિષ્ય કે સબંધીઓ હોય તે તમામ આપણા પૂર્વજન્મના ઋણાનુબંધ હિસાબ પુરો કરવા ભેગા થયા છીએ તે તમામ અમારા કર્મ છે.આ સ્ત્રી નહી પરંતુ મારૂં પૂર્વજન્મનું કર્મ છે અને તે ભોગવ્યા વિના છુટકો જ નથી.
કર્મપ્રધાન વિશ્વ કરી રાખા,જો જસ કરઇ સો તસ ફલ ચાખા.(રામાયણ) કર્મનો સિદ્ધાંત અટલ છે,જેવું વાવો તેવું લણો,જેવું કરો તેવું પામો,જેવી કરણી તેવી પાર ઉતરણી..કર્મ ફળ આપીને જ શાંત થાય છે.
અવશ્યમેવ ભોક્તવ્યં કૃતં કર્મ શુભાશુભમ,નાભુક્તં ક્ષીયતે કર્મ કલ્પકોટિશતેરપિ..
આપણાં કરેલ તમામ શુભ-અશુભ કર્મો છે તેને અવશ્ય ભોગવવાં જ પડે છે.ભોગવ્યા વિના તો અનેક કલ્પો પસાર થવા છતાં કર્મો ટાળી શકાતાં નથી એટલે હું મારા કર્મથી ખુશી ભોગવી રહ્યો છું.આમ કરવાથી નવા કર્મ બંધાય અને તેનું ફળ ભોગવવું ના પડે એટલે મારી પત્નીને સમજાવતો નથી કે શિક્ષા પણ કરતો નથી.બ્રહ્મણ પુછે છે કે મહારાજ..આપે એવું તે કયું કર્મ કર્યું હતું કે પરીણામ સ્વરૂપ આવી વિપરીત સ્વભાવની પત્ની મળી?
જ્યોતિષજી પોતાના પૂર્વજન્મની કથા કહેતાં કહે છે કે પૂર્વજન્મમાં હું કાગડો હતો અને આ જે મારી પત્ની છે તે ગાય હતી.તેની પીઠ ઉપર એક ચાંદુ(ફોડલો) પડ્યું હતું અને તેનાથી તે ઘણી જ દુઃખી અને શક્તિહીન બની ગઇ હતી.મારો સ્વભાવ ઘણો દુષ્ટ હતો એટલે તેની પીઠ ઉપર થયેલ ચાંદા ઉપર જ ચોંચ મારીને તેનું માંસ ખાતો અને તેને વધુ દુઃખી કરતો હતો.જ્યારે દર્દના કારણે તે ઘણી જ કૂદાકૂદ કરતી હતી ત્યારે હું ઘણો ખુશ થતો હતો.
મારા ત્રાસથી કંટાળીને તે એક ઘનઘોર જંગલમાં ચાલી ગઇ પરંતુ મેં તેને શોધી કાઢી.એકવાર ઘણા દિવસ બાદ તે મળી તો તેનું માંસ ખાવા માટે મેં તેના ઘા ઉપર ચાંચ મારી તો મારી ચાંચ તેના હાડકામાં ફસાઇ ગઇ.ઘણા પ્રયત્નો કરવા છતાં મારી ચાંચ બહાર ના નીકળી તો મારા ત્રાસથી બચવા તે ગંગાજીના જળમાં ડૂબી.ત્યાં પણ હું મારી ચાંચ બહાર કાઢી ના શક્યો.છેલ્લે તે ગંગાજીના ઉંડા ધસમસતા પ્રવાહમાં તણાઇ અને અમે બંન્ને ગંગાજીના પ્રવાહમાં ડૂબીને મરણને શરણ થયા.
ગંગાજીના પ્રભાવથી તે બ્રાહ્મણી તરીકે જન્મી અને હું એક બહુ મોટો જ્યોતિષ બન્યો.અત્યારે તે જ મારી સ્ત્રી બનીને આવી છે જે મને આજીવન પોતાના મુખારવિંદથી ગાળો બોલીને,મારૂં અપમાન કરીને મને દુઃખ આપશે અને હું પણ મારા પૂર્વજન્મના કર્મોનાં ફળ ભોગવી રહ્યો છું તેમ સમજીને સહન કરતો રહીશ, આમાં હું તેને દોષિત માનતો જ નથી કારણ કે આ મારા કરેલા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું એટલે હું શાંત છું હવે આપ આપની સમસ્યા મને કહો કે જેના માટે આપ અહી આવ્યા છો.
બ્રાહ્મણે પોતાની તમામ વાતો કહી અને કહ્યું કે અધર્મી પાપી રાજાએ મને નિર-અપરાધીનો હાથ કેમ કાપી નાખ્યો છે તે મને કહો.
જ્યોતિષીએ કહ્યું કે રાજાએ આપણો હાથ નથી કપાવ્યો પરંતુ આપ આપણા કર્મોના કારણે જ પોતાનો હાથ કપાવ્યો છે.પૂર્વજન્મમાં આપ એક તપસ્વી હતા અને રાજકન્યા ગાય હતી તથા રાજકુમાર કસાઇ હતો. આ કસાઇ જ્યારે ગાયને મારવા લાગ્યો ત્યારે ગાય પોતાનો જીવ બચાવવા સામેના જંગલમાં ભાગી ગઇ. પાછળથી પીછો કરતો કસાઇ આવી પહોંચે છે અને આપશ્રીને આ રસ્તેથી ગાય ગઇ છે? તેમ પુછે છે.
આપે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવનમાં ક્યારેય જુઠું નહી બોલું તેથી ગાય જે તરફ ગઇ હતી તે તરફ પોતાના હાથથી ઇશારો કરીને રસ્તો બતાવ્યો અને કસાઇએ ગાયને પકડીને મારી નાખી.
ગંગા નદીના કિનારે ગાયને મારી નાખ્યા બાદ કસાઇ ગાયના શરીર ઉપરથી ચામડું ઉતારી રહ્યો હતો તે સમયે જંગલમાં સિંહ આવે છે અને ગાય અને કસાઇને મારીને તેમનું માંસ ખાઇ જાય છે.ગંગાના પ્રવાહમાં આ બંન્નેના હાડકાં તણાઇ જાય છે.ગંગાના પ્રભાવથી કસાઇને રાજકુમાર અને ગાયને રાજકન્યા તરીકે જન્મ મળે છે તથા પૂર્વજન્મના કરેલા કર્મોના લીધે તેઓ એક દિવસ માટે પતિ-પત્ની બને છે.
કસાઇએ ગાયને તિક્ષ્ણ હથીયારથી મારી હતી તે કારણે રાજકન્યાના હાથોમાંથી ઓચિંતા તલવાર છુટી જવાથી રાજકુમારનું મસ્ત કપાઇ જાય છે અને મરી જાય છે અને આમ કર્મો ફળ આપીને શાંત થઇ જાય છે.તમે હાથના ઇશારાથી જે કર્મ કર્યું હતું તે પાપકર્મના લીધે તમારો હાથ કાપી નાખવામાં આવ્યો છે. આમાં અન્ય કોઇનો દોષ નથી,તમારો જ દોષ છે આવું નિશ્ચયપૂર્વક જાણી સુખપૂર્વક જીવન જીવો.
જે કંઇ પ્રારબ્ધ સામું આવે તેને પ્રેમપુર્વક સ્વીકારી લેવું કારણ કે તે આપણે જ કરેલા કર્મનું પરીણામ છે અને આપણે તે ભોગવવું જ પડે છે.કેટલું સહજ અને જ્ઞાનયુક્ત જીવન છે ! જો અમે આ કર્મના સિદ્ધાંતને માની લઇએ,જાણી લઇએ તો પૂર્વજન્મમાં કરેલ ઘોર કર્મનું ફળ ભોગવતાં ભોગવતાં ક્યારેય દુઃખી થઇશું નહી પરંતુ અમારા ચિત્તમાં સમતા બનાવવામાં સફળ રહીશું.
ભગવાને ગીતામાં કહ્યું છે કે આસક્તિ છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યો કર્મો કરો કેમકે સમત્વ એ જ યોગ છે જેમાં દ્રઢ સ્થિતિ પ્રાપ્ત થતાં મનુષ્ય કર્મબંધનની મુક્ત થઇ જાય છે.(૨/૪૮)
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


