કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા સરકાર પહેલાથી જ સજ્જ છે. આજે સમગ્ર રાજ્યમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં સાંસદ શ્રી પૂનમબેન માડમે ઉપસ્થિત રહીને તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સાંસદશ્રી પૂનમબેન માડમે કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમજ ત્રણ ઑક્સીજન પ્લાન્ટ પર જઇને નિરીક્ષણ કર્યું હતું, હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટિંગ માટે કીટની ઉપલબ્ધિ, દવાઓ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર સહિત તમામ પ્રકારના સાધનોનું નિરીક્ષણ કરી, એમઆરઆઈ રૂમની મુલાકાત કરી હતી. દર્દીઓની તમામ જરૂરિયાતને પહોંચી વળવા તેમજ દર્દીઓના સગાવહાલાંઓ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા અંગે હોસ્પિટલના ડોકટરોને સૂચનો કરી સાંસદશ્રીએ જીજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિજનો સાથે વાતચીત કરી સરકારની અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ થકી સારવાર મેળવવા જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનો આપી દર્દીઓની પૂરતી તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.
જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ ગણવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન જામનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી આવનાર દર્દીઓને પણ અંહી સારવાર આપવામાં આવી હતી. હાલ અન્ય દેશોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્રણ ઑક્સીજન પ્લાન્ટ કાર્યરત છે. જે દર મિનિટે ૧૭૫૦ લિટર ઑક્સીજન પૂરો પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. લિક્વિડ ઑક્સીજન ટેન્ક મારફતે ૪૧૦૦૦ લિટર લિક્વિડ ઑક્સીજન મળી રહે તે પ્લાન્ટ ઉપલબ્ધ છે. કોવિડ હોસ્પિટલમાં કુલ ૨૦૦૦ બેડ સુધીની સુવિધા તેમજ ૩૮૫ આઈસીયુ બેડ અને ૪૦૦ વેન્ટિલેટરની સુવિધા છે. સલામતીના ભાગ રૂપે હાલ હોસ્પિટલમાં ૧૨૦ જેટલા આઇસોલેશન બેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. અને કોરોના ટેસ્ટિંગ પણ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી અને એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, લોકો કોરોનાને લઈને સાવચેત રહે તે હેતુથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ છે. તેમજ લોકોને બુસ્ટર ડોઝ લેવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી જાગૃત અને સુરક્ષિત રહેવા સાસંદશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જી.જી. હોસ્પિટલ ખાતે યોજાયેલ મોકડ્રિલમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ, આગેવાન શ્રી રમેશભાઈ મૂંગરા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઇ, અધિક્ષકશ્રી ડૉ. દિપક તિવારી સહિતના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.