ડાંગ
ડાંગ જિલ્લાના વેપારી મથક વઘઇ ચાર રસ્તા સર્કલ ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી આદિવાસી મહિલા હોમગાર્ડને એક મુસ્લિમ ઇસમે જાતિ વિષયક અપશબ્દો બોલી છેડતી કરતા ફરિયાદ વઘઇ પોલીસ મથકે નોંધાઇ હતી. ફરિયાદ નોંધાતા વઘઇ પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે વિધર્મી શખ્સ સામે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી સદ્દામ પઠાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ડાંગ જિલ્લાના વેપારી મથક વઘઇ ખાતે ગત ૨૪મી ડિસેમ્બર ના રોજ હિન્દુ આદિવાસી પરણિત મહિલા જી.આર.ડી તરીકે તેમની સહ કર્મીઓ સાથે ફરજ બજાવી રહી હતી. ત્યારે થોડો સમય બ્રેક લઈ નજીક ચા પીવા ગયા હતા. તે દરમિયાન વઘઇ આશાનગર ખાતે રહેતો મુસ્લિમ યુવક સદ્દામખામ અસ્લમખાન પઠાણ બાઈક ઉપર આવી તેની છેડતી કરી હતી. રોડ રોમિયો યુવકે તું આદિવાસી સુંદરી છે, તું મને ગમે છે, તું મારી સાથે ચાલ, તને મઝા કરાવીશ એમ કહી જી.આર.ડી. મહિલાનો હાથ પકડી બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલા જી.આર.ડી. એ તેનો વિરોધ કરી તેની સામે કેસ કરવાનું કહેતા તું મારી સામે કેસ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી જાતિવિષયક અપશબ્દો બોલી ત્યાંથી ભાગી ગયો હતો. આ અગાઉ પણ આ રોડ રોમિયોએ મહિલા જીઆરડી ની છેડતી કરતા મહિલા જીઆરડી એ આ ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. હાલ પોલીસે તેને સળિયા પાછળ ધકેલી દીધો છે.
