નડિયાદ
ઠાસરા પંથકના આગરવા ગામે પિતા પર સંતાનોએ જ હુમલો કરતા ચકચાર મચી છે. બાળ લગ્નના કેસમાં સમાધાન ન કરાવતાં જૂની પત્નીના બે સંતાનો અને પુત્રવધુએ આક્રમક થઈ પિતાને લાકડાની હોકી ફટકારી છે. ઘવાયેલા વ્યક્તિએ ઠાસરા પોલીસમા પોતાના બે સંતાનો અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. ઠાસરા તાલુકાના આગરવા ગામે રહેતા ૪૭ વર્ષીય આધેડે બે લગ્ન કર્યા છે. જેમાં જૂની પત્ની થકી સંતાનમાં તેમને બે દીકરા છે. જ્યારે નવી પત્નીથી તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. આધેડ નવી પત્ની સાથે ઠાસરા તાલુકાના આગરવા ગામે રહે છે. જ્યારે જૂની પત્ની અને તેમના સંતાનો ડુંગની મુવાડી ખેતરમાં રહે છે. જૂની પત્નીના સંતાનોઓના લગ્ન નાની ઉંમરમાં થયેલા હોય જેથી આ બાબતે આધેડે બાળ લગ્ન ગુનો સેવાલિયા કોર્ટમાં વર્ષ ૨૦૧૭માં દાખલ કરાવ્યો હતો. ત્યારથી તેમને પોતાની જૂની પત્ની તથા દીકરાઓ વચ્ચે વેરભાવ છે. અને આ બાબતને લઈને ઘણી વાર ઝઘડા પણ થતા હતા. ૨૯મી ડિસેમ્બરના રોજ સેવાલિયા કોર્ટમાં ઉપરોક્ત કેસમાં મુદત હોય બપોરના સાડા ચાર વાગ્યાની આસપાસ આધેડ કોર્ટમાં મુદત પૂર્ણ કરી પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન જૂની પત્ની અને સંતાનો તેમના ઘરે આવ્યા હતા અને પાંચેક વર્ષ અગાઉ થયેલા આ બાળ લગ્નના કેસમાં કેમ સમાધાન કરાવતા નથી. તે બાબતની અદાવત રાખી ગમેતેમ ગાળો બોલી હતી. આ બાદ આ ત્રણેય લોકોએ લાકડાની હોકી પોતાના પિતાને ફટકારી હતી. જેના કારણે તેમને ડાબા જડબાના ભાગે ફ્રેક્ચર થયુ હતું. સમગ્ર બનાવ સંદર્ભે આધેડે પોતાના બે સંતાન અને પુત્રવધુ સામે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
