મુંબઈ
શરદ પવાર, સુપ્રિયા સુળે અને અજિત પવારને સંડોવતું લવાસાનું ભૂત ફરી ધુણ્યું છે અને આ પ્રોજેક્ટમાં સીબીઆઈ દ્વારા તપાસનો નિર્દેશ આપવાની અરજી મુંબઈ હાઈ કોર્ટમાં ફરી દાખલ કરવામાં આવી છે. અગાઉ કરાયેલી અરજીમાં પણ કોર્ટે આ પ્રોજેક્ટમાં પવાર પરિવારના વ્યક્તિગત હિત હોવાની નોંધ કરી હતી. વકીલ નાનાસાહેબ જાધવે પુણે જિલ્લામાં લવાસા ખાતે ખાનગી હિલ સ્ટેશન બનાવવાના પ્રોજેક્ટ માટે અપાયેલી કથિત ગેરકાયદે મંજૂરી બાબતે એનસીપી ચીફ શરદ પવાર, તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળે અને વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવાર સામે કેસ દાખલ કરવા સીબીઆઈને નિર્દેશ આપવા મુંબઈ હાઈ કોર્ટ પાસે દાદ માગી છે. ફેબુ્રઆરીમાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દિપનકર દત્તા અને ગિરિશ કુલકર્ણીએ જાધવ દ્વારા અગાઉ દાખલ કરાયેલી જનહિત યાચિકામાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો જેમાં પ્રોજેક્ટને અપાયેલી મંજૂરી ગેરકાયદે જાહેર કરવાની માગણી કરાઈ હતી. જાે કે કોર્ટે પ્રોજેક્ટમાં શરદ પવાર અને સુપ્રિયા સુળેના વ્યક્તિગત હિત અને અસાધારણ પ્રભાવ અને દબદબાની નોંધ લીધી હતી. કોર્ટે ત્યારે એમ પણ જણાવ્યું હતું કે તત્કાલીન સિંચાઈ મંત્રી અજિત પવાર પ્રત્યક્ષ અથવા પરોક્ષ હિત સ્પષ્ટ કરવામાં નિષ્ફળ ગયા હતા અને અમુક હદ સુધી જ પોતાની ફરજ બજાવતા જણાયા હતા. નવી જનહિત યાચિકામાં જણાવાયું છે કે અરજદારે ૨૬ ડિસેમ્બર, ૨૦૧૮માં પુણે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી, જેમણે આ ફરિયાદ પુણે ગ્રામીણ પોલીસને સોંપી હતી. આ વર્ષે ૨જી મેના રોજ અરજદારે પોતાની ફરિયાદની સ્થિતિ વિશે આરટીઆઈ અરજી કરતા જાણ થઈ કે તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી નથી કરાઈ અને એફઆઈઆર દાખલ નથી કરાઈ. અરજદારના દાવા મુજબ ફરિયાદમાં મોટા રાજકારણીઓ સંડોવાયા હોવાથી પોલીસે એફઆઈઆર દાખલ નહોતી કરી. તેણે સમય સમય પર તપાસની સ્થિતિનો અહેવાલ પણ માગ્યો હતો. અરજી પર આગામી સપ્તાહે વધુ સુનાવણી કરવામાં આવશે.
