ગિરનાર આરોહરણ અવરોહણ સ્પર્ધાની એક કઠિન સ્પર્ધા તરીકે ગણના થાય છે. જેમાં ભાઈઓ ગિરનારના ૫૫૦૦ પગથિયા અંબાજી સુધી અને બહેનો માટે ૨૨૦૦ જેટલા પગથિયા માડી પરબ સુધી ચઢવા અને ઉતરવાના હોય છે. ત્યારે આ કઠિનત્તમ સ્પર્ધામાં સ્પર્ધકોને મસલ્સ પેઈન થવું સામાન્ય છે. ઉપરાંત અન્ય શારીરિક તકલીફો પણ થઈ શકે છે. આ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન ડો. જતીન લુંગાતર અને ઓર્થોપેડિક ડો. કેતન પરમારના નેતૃત્વમાં ૧૫ જેટલા આરોગ્ય કર્મીઓની ટીમે ખડેપગે રહી, સ્પર્ધકોને જરૂરી પ્રાથમિક સારવાર સેવાઓ આપી હતી. જેમાં મસલ્સ પેઈન ઓછું કરવા માટે ડાઈક્લો સ્પ્રે અને જેલ પગમાં લગાવી સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત સ્પર્ધકોની કાળજી માટે સુગર, બીપી ચેક કરવા માટે જરૂરી ઉપકરણો અને દવા – સારવાર ઉપલબ્ધ રાખવામાં આવી હતી.
