જામનગર
જામનગરમાં પખવાડિયાના વિરામ બાદ ફરી વીજ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. શહેરના સ્લમ વિસ્તારોમાં વીજ વિભાગની ૩૪ ટુકડીઓ ત્રાટકી હતી. જેને લઈ વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. જામનગરમાં પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા પખવાડિયાના વિરામ પછી નવા વર્ષના પ્રારંભની સાથે જ આજે ફરીથી શહેરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી ઠેર ઠેર દરોડાઓ પાડવામાં આવ્યાં છે. શહેરના સ્લમ વિસ્તારમાં ૩૪ જેટલી ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે. જેથી વીજચોરોમાં દોડધામ થઈ છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ અને સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની ચેકિંગ ડ્રાઈવ દ્વારા આજે શહેરમાં ૧૫ દિવસના વિરામ પછી ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે વીજ તંત્રની કુંલ ૩૪ ટુકડીઓને ચેકિંગ માટે ઉતારવામાં આવી છે. તેઓની મદદ માટે એસઆરપીના જવાનો, ૧૫ લોકલ પોલીસ, ૮ નિવૃત્ત આર્મીમેન તેમજ ત્રણ વીડિયોગ્રાફરોની મદદ લેવામાં આવી રહી છે. જામનગર શહેરના ખાસ કરીને બચુ નગર, વાઘેરવાડો, અંબાજીનો ચોક, રંગૂનવાલા હોસ્પિટલ, બેડી, થરીપાડો, માધાપર ભુંગા અને નવાગામ સહિતના સ્લમ એરિયામાં વહેલી સવારથી જ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લઈ વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
