જામનગર
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાના ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને એકમેકના સાથ થકી સિલાઈ કામ અને વિવિધ કાર્યોમાં જાેડાઈ પગભર બનાવવા માટે આહવાન કરી રહ્યા છે. કેટલીક દીકરીઓને અભ્યાસ માટે આર્થિક મદદ ઉપરાંત જરૂરિયાતમંદ દીકરીઓનાં કરિયાવર અને ગામની મહિલાઓને સિલાઈ કામ થકી આગળ વધવા ગામની મહિલા સમિતિ બનાવી જરૂરી સિલાઈ મશીન પણ આપી રહ્યા છે.જામનગરમાં ગાંધી જયંતિના અવસરે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજાએ સ્ત્રી સશક્તિકરણ માટે મહિલાઓને સિલાઈ મશીન અર્પણ કરી અનોખી પહેલ કરી છે. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દેશ માટે રમી રહ્યો છે ત્યારે તેમના પત્ની રિવાબા જાડેજા પણ સેવાકીય કાર્યો સાથે જામનગર જિલ્લાના અનેક ગામો ખુંદી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૩ જેટલા ગામોમાં રિવાબા જાડેજા તેમની ટીમ સાથે પહોંચ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓને મહિલા સશક્તિકરણ થકી પગભર બનાવવા માટે યથાશક્તિ મદદ કરી રહ્યા છે.
