હાપુડ
હાલમાં કડકડતી ઠંડીની સિઝન ચાલી રહી છે અને દેશના કેટલાય ભાગોમાં એટલી બધી ઠંડી પડી રહી છે કે, લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બાળકે પોતાની મમ્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસ બોલાવી લીધી હતી. બાળકની ફરિયાદ હતી કે, તેને જબરદસ્તી નવડાવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પોલીસ આવી પણ ગઈ અને આખો મામલો શાંત પાડ્યો હતો. હકીકતમાં આ ઘટના ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાની છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આ ઘટના અક્ખાપુર વિસ્તારની છે, જ્યાં એક મહિલાએ પોતાના દીકરાને ન્હાવા માટે કહ્યું તો તેણે ના પાડી દીધી, પિતાના ઠપકાથી નારાજ થયેલા દીકરાએ ૧૧૨ પર ફોન કરીને પોલીસ બોલાવી લીધી. દીકરાએ પોલીસને જણાવ્યું કે, તેને આટલી કડકડતી ઠંડીમાં નવડાવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેણે એવું પણ કહ્યું કે, તેના વાળ પણ જબરદસ્તી કપાવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ જ્યારે ત્યાં પોલીસની ટીમ પહોંચી તો, સૌ હેરાન રહી ગયા અને બધાં હસવા લાગ્યા હતા. હાલમાં જેમ તેમ કરીને સમજાવીને પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી અને આ મામલો શાંત થઈ ગયો હતો, જાે કે, હવે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. કેહવાય છે કે, બાળકે પોતાની સ્ટાઈલમાં વાળ કપાવાની જીદ પકડી હતી, પણ પિતાએ પોતાની મરજીના વાળ કપાવી નાખ્યા હતા. વાળ કપાવ્યા બાદ તેની માતાએ તેને ન્હાવા માટે કહ્યું પણ બાળકે ઠંડીનું બહાનું બનાવી ન્હાવાની ના પાડી દીધી. તો પિતાએ ઠપકો આપ્યો અને નારાજ થઈ ને આ બાળકે પોલીસને ફોન કરી દીધો. પોલીસ આવ્યા બાદ આજૂબાજૂના લોકો અને ગામલોકો પણ એકઠા થઈ ગયા. આખરે બાળકને સમજાવીને પોલીસે શાંત કર્યો.


