Gujarat

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે નવનિર્મિત ચાર યાત્રી લિફ્ટનું કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાના હસ્તે લોકાર્પણ

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન-નવા જંકશન ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવા પશ્ચિમ રેલવે દ્વારા નવનિર્મિત ચાર યાત્રી લિફ્ટનું લોકાર્પણ મહિલા અને બાળ વિકાસ તથા આયુષ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાના હસ્તે તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં રેલવે મુસાફરી કરતા લોકો માટે રેલ્વે સુવિધાઓમા ઉત્તરોતર વધારો કરવા સરકાર કટિબધ્ધ છે. જેના ભાગરૂપે રોજ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે ચાર યાત્રી લીફ્ટનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. પહેલા આ રેલવે સ્ટેશન પર એક પણ લિફ્ટ ન હતી. પરંતુ હાલ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ -૧ પર એક લિફ્ટ, પ્લેટફોર્મ -૨/૩ પર બે લિફ્ટ તથા પ્લેટફોર્મ -૫ પર એક લિફ્ટ મૂકવામાં આવી છે. આ લિફ્ટની ક્ષમતા ૨૦ વ્યક્તિઓની છે. લિફ્ટના ઉપયોગના કારણે પ્લેટફોર્મ નંબર-૧, પ્લેટફોર્મ નંબર ૨, પ્લેટફોર્મ નંબર-૩ તથા પ્લેટફોર્મ નંબર -૫ પર આવવા જવા માટે લોકોને સરળતા રહેશે.આ પ્રસંગે તેમણે રાજકોટ ડિવિઝનના ડી.આર.એમ સહિત રેલવે ટીમને અભિનંદન પાઠવ્યાં હતા. લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકાર્પિત થયેલી નવી લિફ્ટ ખાસ કરીને વૃધ્ધો, દિવ્યાંગો, મહિલાઓ તેમજ બિમાર યાત્રિકો માટે વિશેષ ઉપયોગી નીવડશે. અંદાજિત રૂ. ૨.૦૨ કરોડના ખર્ચથી તૈયાર થયેલી આ લિફ્ટનો ઉમેરો યાત્રીઓ માટે રેલ મુસાફરી વધુ આરામદાયક બનાવશે. રેલ્વે સ્ટેશનો પરની સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે અને સુરેન્દ્રનગર-થાન-વાંકાનેર વગેરે જેવા રૂટો પર રેલ્વે દોડતી થઈ છે. ત્યારે રેલ્વે સ્ટેશન પર વધતી જતી સુવિધાના કારણે જિલ્લાના રેલ્વે સ્ટેશનને “અમૃત રેલ્વે સ્ટેશન” તરીકે પણ ગણાવી શકાય તેમ તેઓએ જણાવ્યું હતું. રાજકોટ મંડલ રેલ પ્રબંધક અનિલકુમાર જૈન દ્વારા કાર્યક્રમની સ્વાગત વિધિ તેમજ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અભિનવ જેફ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, રાજકોટ ડિવિઝનના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *