મુંબઈ
અભિનેત્રી તુનીષા શર્માએ સિરિયલના સેટ પર સ્યુસાઇડ કર્યા બાદથી અલી બાબાઃ દસ્તાન-એ-કાબુલ ટીવી શો ઘણો ચર્ચામાં રહ્યો છે. આ કેસ સોલ્વ કરવા માટે પોલીસ મથામણ કરી રહી છે. આપને જણાવી દઇએ કે સિરિયલની લીડ અભિનેત્રી તુનીષાએ ગત ૨૪ ડિસેમ્બરે શોના સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થોડા દિવસો માટે શોનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. અલી બાબાના મુખ્ય અભિનેતા શીઝાન ખાનની પોલીસે ધરપકડ કરી હતી. હવે મેકર્સે આ શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં શીઝાન ખાનને બદલે અભિષેક નિગમની એન્ટ્રી થઇ ચૂકી છે. હાલમાં જ તુનીષા શર્માના નિધન બાદ એવા સમાચાર આવ્યા હતા કે આ શો બંધ થવાનો છે. જાેકે મેકર્સે કહ્યું હતું કે અલીબાબા-દસ્તાન-એ-કાબુલ શો ચાલુ રહેશે. ત્યાર બાદ લોકોના મનમાં બીડ લીડ રોલ નિભાવી રહેલ તુનીષા અને શીઝાનના રિપ્લેસમેન્ટને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. પ્રોમો જાેયા બાદ સ્પષ્ટ છે કે, શોમાં હવે શીઝાન ખાનને બદલે અભિષેક નિગમ લીડ રોલમાં જાેવા મળશે. શોનો પ્રોમો એસએબી ટીવીના ટિ્વટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે – કંઈક મોટું આવી રહ્યું છે, જાેડાયેલા રહો… ટેલિવિઝનના સૌથી મોટા ફેમિલી એન્ટરટેઇનર, અલી બાબા એક અનદેખા અંદાજ ચેપ્ટર ૨, સોમવારથી શુક્રવાર સુધી રાત્રે ૮ વાગ્યે, ફક્ત સોની સબ પર. આ સીઝનને ‘અલી બાબાઃ અંદાઝ અનોખા ચેપ્ટર ૨’ કહેવામાં આવી રહી છે. નવા પ્રોમો સાથે જ શોની ફીમેલ સ્ટારને લઈને ફેન્સમાં અટકળો પણ શરૂ થઈ ગઈ છે. હવે જાેવાનું એ રહે છે કે મરિયમનું પાત્ર ભજવનારી તુનીષા શર્મા બાદ આ શોમાં કઈ એક્ટ્રેસની એન્ટ્રી થાય છે. ફેન્સ પણ નિર્માતાઓ દ્વારા તેની જાહેરાતની રાહ જાેઈ રહ્યા છે. બીજી તરફ શોના લીડ એક્ટર શિઝાન ખાન વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તે પોલીસ કસ્ટડીમાં છે. તુનીષા શર્માએ શોના સેટ પર ગળેફાંસો ખાધા બાદ ત્યાં શૂટિંગ નહોતું કરવામાં આવી રહ્યું. પરંતુ ઘટનાસ્થળથી થોડા કિલોમીટર દૂર શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું.
