શ્રીનગર
જમ્મુ- કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોડી રાત્રે એક મિની બસ રસ્તા પરથી ઊંડી ખીણમાં ખાબકતા ૫ વ્યક્તિઓના મોત થયા હતા.આ મૃતકોમાં એક મહિલા સહિત ૪ પુરુષોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ૧૫ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યાં અનુસાર અકસ્માત બિલ્લાવરના સિલા ગામમાં થયો હતો. બસ ડ્રાઈવરે એક વળાંક પર કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.મિની બસ ૪૦૦ ફૂટની ઉંડી ખીણમાં પડી ગઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યાં અનુસાર બસ મોંડલી ગામથી ધનુ પરોલ ગામ જઈ રહી હતી.આ અકસ્માતમાં ૬૦ વર્ષીય મહિલા સહિત ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. ઉપરાંત અન્ય ૧૫ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલુ હતું. ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ મેડિકલ કોલેજ કઠુઆ રિફર કરવામાં આવ્યાં હતા.
