ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજાનારી જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા માટે છોટાઉદેપુર જીલ્લાના ડીડીઓ ચીફ ડીસ્ટ્રીકટ કોઓર્ડીનેટર તરીકે નીમાયેલા હોઈ, તેમના દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટને મળેલી દરખાસ્તને આધારે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ કલમ-૧૪૪ મુજબ જીલ્લાના તમામ ૨૯ પરીક્ષા કેન્દ્રો ઉપર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે તા.૨૯ જાન્યુઆરીના રોજ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જીલ્લાના તમામ પરીક્ષા સ્થળોએ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતીઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે તેમજ પરીક્ષા ના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા માટે જાહેર હિતમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તા. ૨૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧થી ૧૨ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરીક્ષા ખંડમાં તેમજ આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે કોઈ વ્યક્તિ એ મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લુટુથ, કેમેરા, લેપટોપ વગેરે ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રોની બહાર આવેલી ઝેરોક્ષની દુકાનો પર પરીક્ષાના દિવસે સવારે ૮ વાગ્યાથી ૧ વાગ્યા સુધી બંધ રાખવાની રહેશે. વીજપુરવઠો ખોરવાઈ નહિ તે માટે પરીક્ષાના દિવસે સવારે ૮ વાગ્યા થી ૧ વાગ્યા સુધી ખોદકામ કરવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઈ અનાધિકૃત વ્યક્તિઓ એકત્રિત થવા ઉપર કેન્દ્રોમાં પ્રવેશ કરવા ઉપર કે વાહન લઈ જવા પર પ્રતિબંધ રહેશે.
પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ ફરજ બજાવવા માટે સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન તથા વાયરલેસ વગેરે સાધનોનો ઉપયોગ કરી શકશે તેમજ કેન્દ્ર સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોનલ અધિકારીઓ, ખંડ નિરીક્ષકો,વોટરમેં, બોલમેન તેમજ ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને ઉપરોક્ત હુકમમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર ઇસમો પર પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનારા અધિકારીઓ કરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
