Gujarat

બોધકથા..શ્રધ્ધાની કસોટી

ઇશ્વર,શાસ્ત્ર વગેરે ઉ૫ર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રધ્ધા છે.શ્રધ્ધા વિના ધર્મનું આચરણ સંભવ નથી.

જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ પડતો નથી,તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.જીજ્ઞાસુઓમાં શ્રધ્ધા,વિશ્વાસ અને અહંકાર શૂન્યતા અવશ્ય હોવી જોઇએ.બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને  શિષ્‍યની વૈરાગ્ય ભાવના બંન્ને અનિવાર્ય છે.સત્કાર વિના સંતકૃપા મળતી નથી,સંતકૃપા વિના સદગુરૂની પ્રાપ્‍તિ થતી નથી,સદગુરૂમાં શ્રધ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી,જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન ટકતું નથી.

સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની બ્રહ્મભાવે પૂજા કરવી-એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને કરવામાં આવે તે જ્ઞાન જ દ્રઢ થાય છે.

ગણપતિને બે દાંત છે.એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ..આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે.માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે.

દિલથી પ્રાર્થના કરીએ તો માંગેલું બધું જ મળી જાય છે,ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કળી પણ ફૂલ બની જાય છે,વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે,દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે.માંગવું અને મરવું બરાબર છે,બીજી તરફ માંગ્યા વિના તો માં ૫ણ ના પિરસે..આ બે વિરોધાભાસી વાતો છે.મને આટલું આપો એવી ભાવનાથી વારંવાર માંગણી કરવી તેને પ્રાર્થના કહેવાયપ્રભુ તો દયાળુ છે.જેમ પુત્રની ચિંતા તેના પિતાને થાય છે તેમ આપણી ચિંતા જગતના પિતા ૫રમેશ્વરને થાય ૫રંતુ પુત્રને શું આપવુંક્યારે આપવુંકેટલું આપવુંતે માતાપિતા જાણતાં હોય છે તેમ પ્રભુ પણ આપણી લાયકાત પ્રમાણે વગર માગે આપતા જ હોય છે તેમજ પ્રભુ સર્વજ્ઞ છેઆપણને શાની જરૂર છે તે તેઓ બરાબર જાણે છે. ભગવાન આપણને આપણી જરૂરીયાત અને લાયકાત પ્રમાણે આપ્યા કરે છેઆપણે ધીરજ રાખવી જોઈએ અને પ્રભુ ઉ૫ર સંપૂર્ણ શ્રધ્ધા રાખવાની જરૂર છે.પ્રભુ જે કંઈ કરશે તે આપણા હિત માટે જ કરે છે. 

એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા.લગભગ ૬૦ વૃદ્ધોને સાચવે,સ્વજનથી વિશેષ ધ્યાન રાખે. પૈસાની સતત ખેંચ છતાંય વૃદ્ધોને આશ્રમની આર્થિક પરિસ્થિતિને ખબર પડવા ન દે,કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે.એક બપોરે મુનિમે આવીને કહ્યું કે આપણી સ્થિતિ ભયંકર ખરાબ છે.આજે સાંજે ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી.બધાએ ભૂખ્યા રહેવું પડશે.

સંતને જાણીને દુઃખ થયું.હજાર હાથવાળો કેવી કસોટી કરે છે? સંસાર છોડી ભેખ ધર્યો.સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો.રડતાની આંખના આંસુ લુછ્યા છતાંય આજે આ પરિસ્થિતિ ! સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હતી.ઉપરવાળો સવારે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં.આશ્રમના મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર સુધ્ધાં પણ નહતો.તેમણે સાંજ પડ્યે ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું અને સાથે કહ્યું કે આજે એક થાળી વધારે રાખજો.

મુનિમને મનમાં વિચાર થયો કે એક માણસ જમે તેટલું પણ અનાજ નથી અને એક થાળી વધારે? સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા હતી કે મારો વાલો ભૂખ્યા નહીં રાખે.જમવાનો સમય પસાર થતો હતો. ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી હતી.એવામાં ફોનની ઘંટડી રણકી. સંત વૃદ્ધાશ્રમ? હું મનહર શેઠનો સચિવ બોલું છું અને એક વિનંતી કરવા ફોન કર્યો છે કે આજે શેઠે જન્મદિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ હતો પરંતુ તેઓશ્રીની તબિયત અચાનક બગડતાં કાર્યક્રમ રદ કરવો પડેલ છે.લગભગ ૬૫ માણસની રસોઈ તૈયાર છે.તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ અને સાથે સાથે શેઠ જન્મ દિવસની શુભેચ્છાના પ્રસંગે આશ્રમને રૂપિયા ૨૫૦૦૦/-નું દાન પણ આપવા ઇચ્છુક છે.

સંતે મનોમન શામળિયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશી ખુશી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું.થોડી વારમાં રસોઈ આવી ગઈ.ક્યારેય ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો પણ ખૂબ ખુશ હતાં.

મુનિમને રૂપિયા ૨૫૦૦૦/-નો આશ્રમના નામનો ચેક મળી ગયો હતો.બધાના જમી રહ્યા પછી મુનિમ સંત પાસે આવીને બોલ્યા કે વંદન છે તમારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને ! મને તો હતું કે આજે ભૂખ્યા જ સૂવું પડશે પણ રસોઈ આવી ગઈ પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવી હતી? સંતે સુંદર જવાબ આપ્યો કે એ વધારાની થાળી મારા વાલા મોરલીવાળા શામળિયાની હતી.મેં આજે એને કહી દીધું હતું કે જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા અમારી સાથે તારે પણ આજે ભૂખ્યા રહેવું પડશે અને મારા વાલે ભાવતા ભોજન મોકલી દીધા.ઈશ્વરમાં શ્રદ્ધા રાખો તો એ બધાનું સારૂં કરે છે.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *