આંતરડામાં કાણું, એપેન્ડિક્સ, સારણ ગાંઢ, સ્તનના કેન્સર, ડાયાબેટિક ફુટ એટલે કે પગમાં સડો, ગેંગરીન વગેરે રોગો કે જેમાં સર્જરીની આવશ્યક છે. તે બિમારીની સર્જરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન અને સિનિયર રેસિડેન્ટ ડો. તરીકે સેવારત ડો.આનંદ પોપટ જણાવે છે કે, અહિંયા પેટના ગંભીર રોગોની જટિલ સર્જરીઓ પણ સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે. આંતરડામાં કાણું, સારણ ગાંઢ, સ્તનનું કેન્સર હરસ-મસા-ભગંદર સહિત પેટની અન્ય બિમારીઓનું નિદાન કરવામાં આવે છે. સાથે જ દર્દીની સ્થિતિ પ્રમાણે ઓપરેશન-સર્જરી કરવામાં આવે છે. અહિંયા દૈનિક ૧૫૦ થી ૨૦૦ જેટલા પેટના રોગના દર્દીઓ ઓપીડીનો લાભ મેળવે છે. અંતમાં તેમણે સિવિલ હોસ્પિટલની આ સેવાઓનો લાભ લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડો.આનંદ પોપટે બે મહિનામાં ૨૫ મેજર અને ૧૦૦ જેટલી માઇનર સર્જરી કરી છે.
જરૂરિયાતમંદોને અંદાજે રૂ. ૬૦ લાખની કિંમતના અદ્યતન એન્ડોસ્કોપી મશીનની સેવાનો મળી રહેલો લાભ
તાજેતરમાં રાજ્ય સરકારે પેટ રોગોના સચોટ નિદાન માટે ખૂબ આવશ્યક એવું, અંદાજે રૂા.૬૦ લાખની કિંમતનું અદ્યતન એન્ડોસ્કોપી મશીન પણ ફાળવ્યું છે. આ મશીન દ્વારા મોઢા વાટે ગળામાં દૂરબીન નાખીને પેટના રોગોની તપાસ કરવામાં આવે છે. જેના થકી સર્જરી કરવામાં ઘણી સરળતા રહે છે. હાલમાં જરૂરિયાતમંદોને આ સેવાનો લાભ મળી રહ્યો છે. તેમ ડો.આનંદ પોપટે જણાવ્યું હતું.


