ચેન્નાઈ
મદ્રાસ હાઈકોર્ટે એક કેસમાં મોટો ચુકાદો આપતા કહ્યું હતું કે શરિયત કાઉન્સિલ કોઈ કોર્ટ નથી. તેથી તલાક લેવા માટે મહિલાઓએ કોર્ટમાં જવું જરૂરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે જાે મહિલાઓ કાયદેસર રીતે છૂટાછેડા લેવા માંગે છે તો તેમણે ફેમિલી કોર્ટનો દરવાજાે ખખડાવવો જાેઈએ. ‘ખુલા’ પ્રમાણપત્રને ફગાવી દેતા જસ્ટિસ સી સરવણને કહ્યું હતું કે, ‘મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એક્ટ હેઠળ મહિલાને સ્વતંત્રતા છે કે તે ‘ખુલા’ દ્વારા લગ્નને તોડી શકે છે પરંતુ તે માત્ર પારિવારિક સ્તરે જ માન્ય છે. કાયદાકીય છૂટાછેડા લેવા માટે કોર્ટમાં જવું જરૂરી છે. જસ્ટિસ સરવનને કહ્યું હતું કે, પરંપરાગત કાયદા હેઠળ ચાલતી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રો કાયદેસર રીતે માન્ય નથી. જમાતના કેટલાક સભ્યોને સામેલ કરીને કોઈપણ સ્વ-ઘોષિત સંસ્થા આવું પ્રમાણપત્ર આપી શકે નહીં. પિટિશનમાં પતિએ દલીલ કરી હતી કે ફતવા કે ‘ખુલા’ જેવા સર્ટિફિકેટથી કોઈના પર કાયદાનું દબાણ ન થઈ શકે. ત્યારે સ્થાનિક શરિયત પરિષદે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આવા જ એક કેસમાં હાઈકોર્ટે કહ્યું હતું કે શરિયત કાઉન્સિલ તેનું કામ કરી શકે છે. જસ્ટિસ સરવનને શરિયત કાઉન્સિલની દલીલને ફગાવી દેતા કહ્યું હતું કે કેરળ હાઈકોર્ટે ‘ખુલા’ દ્વારા મહિલાઓ તરફથી આપવામાં આવેલા તલાકને યથાવત રાખ્યો હતો પરંતુ શરિયત કાઉન્સિલ જેવી કોઈ સંસ્થાના હસ્તક્ષેપને સ્વીકાર્યો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે ફેમિલી કોર્ટ એક્ટની કલમ ૭ (૧) , મુસ્લિમ મેરિજ ડિસોલ્યુશન એક્ટ અને મુસ્લિમ પર્સનલ લો હેઠળ માત્ર ફેમિલી કોર્ટને જ લગ્ન તોડવાની સત્તા છે. શરિયત કાઉન્સિલ ‘ખુલા’ જેવી કોઈપણ ખાનગી સંસ્થા દ્વારા છૂટાછેડાનું પ્રમાણપત્ર જારી કરી શકાતું નથી. તમને જણાવી દઈએ કે આ તલાકનું પ્રમાણપત્ર શરિયત કાઉન્સિલ દ્વારા ૨૦૧૭માં જારી કરવામાં આવ્યું હતું.
