નવી દિલ્હી
ભીસમાં આવેલી યોગી આદિત્યનાથની સરકારે માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને ૪૫ લાખ રૂપિયા અને નોકરી આપવાની જાહેરાત કરી હતી. જ્યારે જે ખેડૂતો ઘવાયા છે તેમના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની તપાસ હાઇકોર્ટના નિવૃત જજની દેખરેખ હેઠળ કરવાની ખાતરી પણ સરકારે આપી હતી. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત પહેલા ખેડૂતો ધરણા કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં રવિવારે ધરણા કરી રહેલા ખેડૂતો પર ભાજપના નેતાઓએ કાર ચડાવી દીધી હતી. આ ઘટના બાદ વિફરેલા ખેડૂતોએ નેતાઓની કારો સળગાવી દીધી હતી. સમગ્ર ઘટનામાં આઠ ખેડૂતોના મોત નિપજ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી પોલીસે ખેડૂતોના નિવેદનોના આધારે ૧૪ લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે કેન્દ્રીય મંત્રીના પુત્ર સહિતના સામે હત્યાની કલમો પણ લગાવી છે. બીજી તરફ આ ઘટનાના વિરોધમાં દેશમાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રમુખ નરેશ ટિકૈતે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને કહ્યું છે કે તેઓ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં પ્રવેશ ન કરે કેમ કે હાલ લખીમપુરની ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ છે. સીસોલીમાં ભારતીય કિસાન પંચાયતને સંબોધતા નરેશ ટીકૈતે કહ્યું હતું કે ભાજપ ખેડૂતોને ભડકાવી રહી છે કે જેથી શાંતિપૂર્ણ આંદોલનને હિંસામાં ફેરવી શકાય અને તેને કચડી શકાય. દિલ્હીની બોર્ડર પર, હરિયાણા તેમજ પંજાબમાં ખેડૂતોએ આ ઘટનાના વિરોધમાં ધરણા પ્રદર્શનો કર્યા હતા. જીંદ-હાંસી અને બરવાલા હાઇવેને ખેડૂતોએ જામ કરી દીધો હતો. લુધિયાણામાં ખેડૂતોએ ધરણા યોજ્યા હતા અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર પણ મોકલ્યું હતું. દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ લખીમપુરની ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે તેમની પોલીસે રસ્તામાં જ અટકાયત કરી લીધી હતી, જેથી પ્રિયંકા ગાંધીએ બાદમાં પોતાની અટકાયતના વિરોધમાં ઉપવાસ શરૂ કરી દીધા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે હું માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળીને કોઇ ગુનો નથી કરી રહી. મને કેમ અટકાવવામાં આવી હતી. બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની પણ લખનઉમાં તેમના નિવાસ સૃથાનની બહાર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેથી તેઓ પણ ધરણા પર બેસી ગયા હતા. બીજી તરફ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના ખેડૂત સંગઠન કિસાન સંઘે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન કરી રહેલા અને હિંસામાં સામેલ લોકો ખેડૂતો નહીં પણ અન્ય લોકો હતા.