છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સિનીયર ઇન્વેસ્ટીગેટર ગોવર્ધન મુંડેની અધ્યક્ષતામાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત જિલ્લામાં આદિવાસી જનસમુદાય માટે કરવામાં આવેલી કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા ગોવર્ધન મુંડેએ વન અધિકાર અધિનિયમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, વ્યક્તિગત દાવા અને સામૂહિક દાવાઓ લાંબા સમય સુધી પેન્ડીંગ રહે એ સારી બાબત નથી તેથી વહીવટીતંત્રએ મળેલી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય એની વિશેષ તકેદારી રાખવી જોઇએ આ ઉપરાંત તેમણે આદિવાસી સમાજના લોકોને તેમના અધિકારો વિના વિલંબે મળી રહે એ સુનિશ્ચિત કરવા આગ્રહ રાખ્યો હતો.
વધુમાં તેમણે જિલ્લા કક્ષાની સમિતિમાં આવેલી અરજીઓ અંગે વિગતે છણાવટ કરતા મળેલી કુલ અરજીઓ પૈકી નિકાલ કરવામાં આવેલ અરજીઓ, બાકી અરજીઓ તેમજ રિજેકટ કરેલ અરજીઓ અંગે સમીક્ષા કરી પેન્ડીંગ અરજીઓનો વહેલી તકે નિકાલ કરવા જણાવ્યું હતું.
વર્કિંગ ગૃપના મેમ્બર મિલિન્દ થાટેએ આયોગની રચના, આયોગની કામગીરી, નિતિનિર્ધારણમાં આયોગની ભૂમિકા જેવી બાબતે વિગતે છણાવટ કરી હતી. આ ઉપરાંત તેમણે વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ તેમજ તેમાં કરવામાં આવેલી જોગવાઇઓ અને વન અધિકાર અધિનિયમ અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતિની ભૂમિકા અંગે વિગતે જાણકારી આપી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પણ આયોગના અધિકારીઓને જરૂરી વિગતો આપી હતી.
પ્રાયોજના વહીવટદાર જાડેજાએ વન અધિકાર અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતે જાણકારી રજૂ કરી હતી.
બેઠકમાં બેઠકમાં પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર કેપ્ટન સ્મિતા ગાયકવાડ, પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર વિમલ શાહ, અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરા, પ્રાયોજના વહીવટદાર આર.જે.જાડેજા, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, નાયબ કલેકટર-૧ અમીતભાઇ ગામીત, નાયબ વનસંરક્ષક વિષ્ણુ દેસાઇ, મામલતદાર, રિસર્ચ આસીસ્ટન્ટ મીમાંસા પારોલિયા, રિસર્ચ આસીસ્ટન્ટ સ્વેતા મદગલકર તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીથી આવેલું આ પ્રતિનિધિ મંડળ હવે પછી કાલે દાહોદ જીલ્લાના પ્રવાસે રવાના થનાર છે. અને ત્યાથી ફરી છોટાઉદેપુર થઈ તેમનો ક્ષેત્રીય પ્રવાસ પૂર્ણ કરશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર