બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ: પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયા
સાડી ઉદ્યોગ માટે જાણીતા જેતપુરના કારખાનાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંદડી-દુપટ્ટા કાપડની નાની-મોટી ચોરીઓની ઘટના સામે આવતી હોય છે જે ફરી તરખાટ મચાવતી તસ્કર ગેંગ મોઢવાડીમાં આવેલ સાડીના કારખાનાને નિશાન બનાવી રંગાટ માટે આવેલ રૂા. 52.448ની કિંમતની 370 નંગ ચૂંદડી-દુપટ્ટા કાપડની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની ફરીયાદ મુજબ કારખાનાના માલિક મહેશભાઇ હાસુમલભાઇ કાકવાણી (સિંધી) ઉ.વ.57, રહે. શિવશકિત બંગ્લોઝ, લોહાણા મહાજન વાડી, સુરજવાડી પાછળ, જેતપુર,એ જણાવ્યા મુજબ મોઢવાડીમાં સહેલી બંધેજ નામનું રંગાટ કામનું કારખાનું ધરાવે છે. અને ગઈ તા. 31-1-23ના જય આશાપુરા સાડી સેન્ટરમાંથી 370 નંગ ચુંદડી-દુપટ્ટા રંગાટ માટે આવી હતી. ગત તા. 7-2-23ની મોડી રાત્રે બે અજાણ્યા તસ્કરોએ કારખાનાને નિશાન બનાવી દિવાલ કૂદીને કારખાનામાંથી રૂા. 52,448ની કિંમતની 370 નંગ ચુંદડી- દુપટ્ટા ચોરી બાઈક પર નાશી ગયા હતા. આ ચોરીની ઘટનાની તા. 8-2-23ના ફરિયાદીને જાણ થતા બાજુમાં આવેલ ભંગારના ડેલાના સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા મોડી રાત્રે બે શખ્સો દિવાલ કૂદી ચોરી કરતા નજરે પડ્યા હતા.
મહેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે સીસીટીવી ફુટેજમાં દેખાયેલા બે માણસોમાંથી એક માણસ તા.7/2ના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ મારા કારખાને આવેલો અને નોકરી માટે પુછતા મે માણસની જરૂર ન હોવાનું કહેતા તે ત્યાંથી ચાલ્યો ગયેલ હતો આ બનાવની જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.
બીજી બાજુ પોલીસે ગણતરીની કલાકોમાં સીસીટીવીમાં દેખાતા બંને શખ્સોને ઉઠાવી લઈ આગવી ઢબે સરભરા કરી ચોરીના મુદ્દામાલ અંગે પુછપરછ કરતા આરોપીઓએ જણાવેલ કે, તેઓ ચોરી કરેલા માલને એક જગ્યાએ સ્ટોર કરતા અને પછી આ હેવી કાપડને તેના મુળ ભાવ કરતા સાવ સસ્તા ભાવે વેંચી નાખતા હતા. તેમજ અન્ય કયાં કયાં કારખાનામાં ચોરીને અંજામ આપ્યો છે કે પ્રયાસ કર્યો છે ? તેમજ કોને કોને આ ચોરીનો માલ વેંચ્યો તે અંગે તપાસ કરી પોલીસ મુદામાલ રીકવરીની તજવીજ કરશે.આ અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.