આજ રોજ મદદનીશ શ્રમ આયુક્તશ્રી, જામનગરની કચેરી દ્વારા કલેક્ટરશ્રી ડો.સૌરભ પારઘી અને જિલ્લાકક્ષા અમલીકરણ સમિતીના અધ્યક્ષ સ્થાને અસંગઠિત શ્રમયોગીઓની ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કામગીરીની સમીક્ષા અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કલેક્ટરશ્રી દ્વારા જામનગર જિલ્લાની વિવિધ વિભાગોની કચેરીના હાજર રહેલ અધિકારીશ્રીઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનશ્રીઓને અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને વિવિધ સ્થળોએ ખાસ કેમ્પોનુ આયોજન કરી વધુમાં વધુ શ્રમિકોનું રજીસ્ટ્રેશન હાથ ધરવા સુચન કર્યુ હતુ તેમજ વિવિધ વિભાગોને રજીસ્ટ્રેશન માટેના લક્ષ્યાંકો આપી મહત્તમ કામદારોનુ રજીસ્ટ્રેશન થાય તે રીતે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
આ નોંધણી કરાવવા માટે અસંગઠિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, માછીમારી, આશા બહેનો, આંગણવાડી વર્કરો, ફેરિયાઓ, ઘરેલુ કામદારો, રીક્ષા ડ્રાઇવરો, દૂધ મંડળીના સભ્યો, તેમજ આવા અસંગઠિત ક્ષેત્રે કામ કરતા ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા, તેમજ EPFO/ESICના સભ્ય ન હોય તથા આવક વેરો ન ચુકવતા હોય તેવા જામનગર જિલ્લાના કામદારો આ નોંધણી કરાવવા માટે આધાર નંબર, આધારકાર્ડમાં લિંક હોય તેવો મોબાઇલ નંબર તથા બેંક એકાઉન્ટ નંબર તેમજ બેંકના IFSC કોડ સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.કેન્દ્ર) ખાતે વિનામુલ્યે નોંધણી કરાવી શકશે. તેમજ દરેક શ્રમયોગી પોતાના મોબાઇલ ફોન પરથી www.eshram.gov.in પર જઇ જાતે પણ નોંધણી કરાવી શકશે. જિલ્લાના વધુમા વધુ શ્રમયોગીઓ આ પોર્ટલ પર નોંધણી કરાવે તે માટે મદદનીશ શ્રમ આયુક્તશ્રી, જામનગરની કચેરી દ્વારા અપીલ કરવામાં આવે છે.