નવીદિલ્હી
દેશભરમાં સૂરજે ફેબ્રુઆરીમાં જ રૌદ્ર સ્વરૂપ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતે હવામાનમાં વિચિત્ર પલટો આવ્યો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં શિયાળો વીત્યા પછી વસંત ઋતુ આવે એ પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં સૌથી વધુ વધારો રાજસ્થાન અને ગુજરાતમાં નોંધાયો છે. અહીં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં ૯ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યો છે. દેશનું સરેરાશ તાપમાન પણ ૧૫ માર્ચ જેવી સ્થિતિએ પહોંચી ગયું છે. ભુજમાં સતત બીજા દિવસે દેશનું સૌથી વધુ ૩૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે ભુજમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ફેબ્રુઆરીમાં દેશમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. શિમલા અને મસુરી જેવાં હિલ સ્ટેશનો પર તાપમાન સામાન્યથી ૯ ડિગ્રી વધારે છે. અહીં એપ્રિલ મહિના જેવી સ્થિતિ સર્જાઈ છે.ગરમી વધવાંના બે મુખ્ય કારણ| પ્રથમઃ ગુજરાત અને રાજસ્થાનમાં એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે અને આકાશ સ્વચ્છ છે. તેનાથી ગરમી અચાનક વધી. બીજું, કાંઠા વિસ્તારોમાં સી-બ્રીઝની શરૂઆતમાં વિલંબ એટલે કે સમુદ્રમાંથી આવતી પશ્ચિમી હવાઓ મોડી આવી રહી છે. અને પૂર્વી હવાઓ બપોર સુધી ચાલી રહી છે. સી-બ્રીઝના કારણે કાંઠા વિસ્તારમાં બપોર પછી તાપમાન નીચુ આવે છે. ૩-૪ દિવસ સુધી ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં તાપમાનનો રેકોર્ડ નોંધાઈ શકે છે. શનિવારે રાત સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. તેનાથી હવાની પેટર્ન બદલાશે. તાપમાનમાં વધારો અટકી શકે છે. ભુજમાં ફેબ્રુઆરી મહિનામાં છેલ્લાં ૭૧ વર્ષનું સૌથી ઊંચુ ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. શુક્રવારે ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપતા કહ્યું હતું કે ૧૬ ફેબ્રુઆરીના રોજ ભુજ સ્થિત હવામાન વિભાગના સ્ટેશને સૌથી ઊંચુ તાપમાન નોંધ્યું હતું. ભુજમાં વર્ષ ૧૯૫૨થી નિયમિત પણ તાપમાનની નોંધણી થઈ રહી છે. ભુજમાં ફેબ્રુઆરી મહિનામાં છેલ્લે ૨૦૧૭ની ૧૯ ફેબ્રુઆરીએ ૩૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ ૩૮-૪૦ ડિગ્રી તાપમાન રહેશે.


