બિહાર
જમુઇ પંચાયતની ચૂંટણીમાં રોજિંદા કામ કરીને ગુજરાન ચલાવતી ખેતમજૂર મહિલા રેખા દેવી સહોડા પંચાયતની ચૂંટણીમાં ૫ ઉમેદવારાને હરાવીને ચૂંટણી જીત ગઇ છે. રેખા દેવીને પંચાયત પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવી છે. રેખા દેવીએ પંચાયતની આ ચૂંટણીમાં ૧૬૧૨ મત મેળવીને તેના નજીકની પ્રતિર્સ્પધીને ૪૩૭ મતથી પરાજીત કરી દીધા છે. રેખા દેવી બિહારના એવા સહોડા ગામમાં રહે છે જયાં ગામ સુધી પહોંચવા માટે પાકી સડક પણ નથી. મજૂરમાંથી મુખિયા બનેલી રેખા દેવીએ ચૂંટણી જીત્યા પછી કહ્યું હતું કે ગામના પાકા રસ્તા બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે, ઉપરાંત બધા ગરીબોને પાકા મકાન મળે અને બાળકોને ભણવા માટે શાળાની વ્યવસ્થા કરવાનું કામ કરશે.ભારતીય લોકતંત્રની આ ખુબસૂરતી છે કે રાજા હોય કે રંક દેશમાં કોઇ પણ લોકશાહી પદ પર કબ્જાે કરી શકે છે. બિહારના જમુઇ જિલ્લામાં પંચાયત ચૂંટણીના બીજા તબક્કાનું પરિણામ જાહેર થયું તેમાં રોજિંદા મજૂર તરીકે કામ કરતી સમાજના નીચલા વર્ગની એક મહિલા પંચાયત પ્રમુખ બની ગઇ છે.ગામના લોકોમાં આ પરિણામથી ખુશી વ્યાપી ગઇ છે કે તેમના જેવી જ એક સામાન્ય મહિલાના હાથમાં પંચાયતની બાગ ડોર આવી છે. બિહારના જમુઇ ગામની રહેવાસી મહિલા જે આખો દિવસ ઇંટની ભઠ્ઠીમાં કે ખેતીમાં મજૂરી કરીને પરિવારનું ભરણ પોષણ કરતી મહિલા પંચાયતની પ્રમુખ બની ગઇ છે અને શપથ ગ્રહણ પછી બીજી મહિલાઓને રોજગારી આપવાનું અને પંચાયતના વિકાસનું કામ કરશે. બિહારમાં પંચાયતની ચુંટણી ચાલી રહી છે અને બીજા તબક્કાના પરિણામાં આવી રહ્યા છે. જેમાં જમુઇ જિલ્લાના બે બ્લોકમાં ૨૬ પંચાયતના પરિણામો જાહેર થઇ ગયા છે જે ચોંકાવનારા છે. ૨૬ પંચાયતોમાં મતદારોએ ૨ વર્તમાન પ્રમુખોને ઘર ભેગા કરી દીધા છે અને નવા લોકોને પંચાયત પ્રમુખ તરીકે પંસદ કર્યા છે. પંચાયતમાં નવા ચહેરાને સ્થાન આપીને લોકોએ તેમને વિકાસ કરવાની તક આપી છે.