ભગવાન શિવ કહે છે કે હે દેવી ! હવે હું શ્રીમદ ભગવદ ગીતાના આઠમા અધ્યાયનું માહાત્મય કહું છું જેને સાંભળવાથી ઘણી જ પ્રસન્નતા થાય છે.માતા લક્ષ્મીજીના પુછવાથી ભગવાન વિષ્ણુએ આ માહાત્મય બતાવ્યું હતું.
ભગવાને કહ્યું કે દક્ષિણમાં આમર્દકપુર નામનું એક પ્રસિદ્ધ નગર હતું ત્યાં ભાવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને એક વેશ્યાને પત્ની બનાવી હતી,તે માંસ-મદીરાનું સેવન કરતો તથા શ્રેષ્ટ પુરૂષોનું ધન ચોરી લાવતો હતો,પારકી સ્ત્રીઓ સાથે વ્યભિચાર તથા શિકાર કરતો હતો.આમ તે ઘણો જ ભયાનક સ્વભાવનો હતો.એક દિવસ તે દારૂ પીવાવાળા લોકો સાથે મળીને ભરપેટ દારૂ પીધો ત્યારબાદ અત્યંત પીડિત થઇને તે પાપાત્મા કાળવશ મરી જાય છે અને મર્યા પછી તાડનું વૃક્ષ બને છે.
આ તાડવૃક્ષની ઘટાઘોર અને ઠંડી છાયામાં બ્રહ્મ-રાક્ષસ ભાવને પ્રાપ્ત થયેલ પતિ-પત્ની રહેતા હતા.તેમની પૂર્જજન્મની ઘટના જોઇએ..એક કુશીબલ નામનો બ્રાહ્મણ હતો જે વેદ-વેદાંગના તત્વનો જ્ઞાતા તથા તમામ શાસ્ત્રોના અર્થનો વિશેષજ્ઞ અને સદાચારી હતો.તેની પત્નીનું નામ કુમતિ હતું જે ઘણા જ ખરાબ વિચારોવાળી હતી.આ બ્રાહ્મણ વિદ્વાન હોવાછતાં અત્યંત લોભવશ પોતાની પત્ની સાથે દરરોજ ભેંસ, કાલપુરૂષ અને ઘોડાઓ વગેરે..નું દાન ગ્રહણ કરતો હતો અને મળેલ દાનમાંથી કોડી પણ અન્ય બ્રાહ્મણોને આપતો ન હતો જેથી મર્યા પછી બંન્ને કાળવશ મૃત્યુને પ્રાપ્ત થઇ બ્રહ્મરાક્ષસ થાય છે.તે ભૂખ અને તરસથી પીડિત થઇને પૃથ્વી ઉપર ફરતાં ફરતાં આ તાડવૃક્ષની પાસે આવે છે અને ત્યાં વિશ્રામ કરે છે.
તે સમયે પત્ની પોતાના પતિને કહે છે કે હે નાથ ! અમારૂં આ મહાન દુઃખ કેવી રીતે દૂર થશે? બ્રહ્મ-રાક્ષસ યોનિમાંથી અમારી મુક્તિ કેવી રીતે થશે? ત્યારે બ્રાહ્મણ કહે છે કે બ્રહ્મવિદ્યાના ઉપદેશ,અધ્યાત્મ તત્વના વિચાર અને કર્મવિધિના જ્ઞાન વિના આ સંકટમાંથી છુટકારો મળી શકવાનો નથી.ત્યારે તેની પત્ની કહે છે કે આ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? અને કર્મ શું છે? તેની પત્નીના આટલા પ્રશ્ન પુછવાથી જે ઘટના ઘટી તેને તમે સાંભળો..
ઉપરોક્ત વાક્ય શ્રીમદ ભગવદ ગીતાના આઠમા અધ્યાયનો અડધો શ્ર્લોક હતો,દૈવયોગે તેના મુખમાંથી આ અડધો શ્ર્લોક નિકળતાં અને જેના શ્રવણમાત્રથી આ તાડના વૃક્ષની યોનિમાંથી છુટી જાય છે, જે ભાવશર્મા નામનો બ્રાહ્મણ હતો તે તત્કાળ વિશુદ્ધ ચિત્ત બનીને પાપરૂપ શરીરથી મુક્ત થઇ જાય છે તથા આ અડધા શ્ર્લોકના માહાત્મયથી બંન્ને પતિ-પત્ની પણ મુક્ત થઇ જાય છે.
ત્યારબાદ આકાશમાંથી એક દિવ્ય વિમાન આવે છે જેમાં બેસીને પતિ-પત્ની બંન્ને તે વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યાં જાય છે.ત્યારબાદ બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવશર્માએ આદરપૂર્વક આ અડધો શ્ર્લોક લખ્યો અને ભગવાન જનાર્દનની આરાધના કરવાની ઇચ્છાથી મુક્તિદાયિની કાશી નગરીમાં જાય છે ત્યાં જઇ કઠીન તપસ્યા શરૂ કરી.તે સમયે ક્ષીરસાગરની કન્યા માતા ભગવતી લક્ષ્મીએ હાથ જોડીને દેવતાઓના પણ દેવતા જગત્પતિ ભગવાન જનાર્દનને પુછ્યું કે આપ સહસા નિંદ્રાનો ત્યાગ કરીને કેમ ઉભા થયા છો?
ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી ! કાશીપુરીમાં ભાગીરથીના કિનારે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવશર્મા મારી ભક્તિ-રસથી પરીપૂર્ણ થઇને અત્યંત કઠોર તપસ્યા કરે છે.તે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને શ્રીમદ ભગવદ ગીતાના આઠમા અધ્યાયના અડધા શ્ર્લોકનો જપ કરે છે.હું તેની તપસ્યાથી ઘણો જ સંતુષ્ઠ થયો છું તેથી તેને તપસ્યાનું ફળ આપવા ઇચ્છુંક છું.
માતા પાર્વતી પૂછે છે કે ભગવાન ! શ્રી હરીએ પ્રસન્ન થઇને જેની ચિંતા કરે છે તે ભગવદ ભક્ત ભાવશર્માને શું ફળ મળ્યું હતું? ત્યારે શ્રી મહાદેવ કહે છે કે..હે દેવી ! દ્વિજશ્રેષ્ઠ ભાવશર્મા ભગવાન વિષ્ણુનો પ્રસાદ પામીને મોક્ષનું સુખ પ્રાપ્ત કરે છે તથા તેના અન્ય વંશજો જે નરકની યાતના ભોગવાતા હતા તેમને પણ ભગવદ ધામ પ્રાપ્ત થાય છે.હે પાર્વતીજી..આ શ્રીમદ ભગવદ ગીતાના આઠમા અધ્યાયનું માહાત્મય તમોને મેં કહ્યું છે તેના ઉપર વિચાર કરવો જોઇએે.
ગીતાના આઠમા અધ્યાયનો સાર એ છે કે..અંતકાળે જેવું ચિંતન તે અનુસાર જ જીવની ગતિ થાય છે એટલે મનુષ્યએ હરદમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરવું જોઇએ, જેનાથી અંતકાળે ભગવાનની સ્મૃતિ બનેલી રહે.
પરમ અક્ષર બ્રહ્મ છે.પરા પ્રકૃતિ (જીવ)ને અધ્યાત્મ કહેવાય છે,તમામ ચરાચર પ્રાણીઓની સત્તાને પ્રગટ કરવાવાળો ત્યાગ કર્મ કહેવાય છે.ઉત્પત્તિ વિનાશશીલ તમામ પદાર્થ અધિભૂત છે.પુરૂષ એટલે કે હિરણ્યગર્ભ બ્રહ્મા અધિદેવ છે અને આ શરીરમાં અંતર્યામી રૂપે હું વાસુદેવ જ અધિયજ્ઞ છું.
જે માણસ અંતકાળમાં પણ મારૂં સ્મરણ કરતો રહીને શરીર છોડીને જાય છે એ મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે એમાં સહેજપણ સંશય નથી.માણસ અંતકાળે જે જે ભાવનું સ્મરણ કરતો રહીને શરીરને છોડે છે સદા તે જ ભાવથી ભાવિત થઇને તેને જ પ્રાપ્ત થાય છે એટલે કે તે તે યોનિમાં ચાલ્યો જાય છે, માટે તૂં નિરંતર મારૂં સ્મરણ કર અને યુદ્ધ પણ કર.આ પ્રમાણે મારામાં અર્પેલાં મન-બુદ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ.
ભક્તિયુક્ત માણસ અંતસમયે નિશ્ચળ મનથી અને યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને શરીર છોડવાથી તે પરમ દિવ્ય પુરૂષને જ પ્રાપ્ત થાય છે.બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને મનને હ્રદય પ્રદેશમાં સ્થિર કરીને પોતાના પ્રાણોને મસ્તકમાં સ્થાપીને યોગધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થઇને જે સાધક ૐ એ એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારૂં ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમગતિને પામે છે.
અનન્ય ચિત્તવાળો જે નિત્ય નિરંતર મારૂં સ્મરણ કરે છે તે મારામાં જોડાયેલા યોગીના માટે હું સુલભ છું અને આવા મહાત્માઓ મને પ્રાપ્ત કરીને દુઃખોનું રહેઠાણ અને નિરંતર બદલાતા પુનઃજન્મને પ્રાપ્ત થતા નથી.પરમપિતા પરમાત્મા અનન્ય ભક્તિથી પામી શકાય છે..


