જૂનાગઢ જિલ્લામાં કુદરતી આપત્તિઓના ભાગરૂપે ગત છઠ્ઠી માર્ચના રોજ થયેલ કામોસમી વરસાદથી ખેતી તથા બાગાયતી પાકોમાં થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિરાંત પરીખ દ્વારા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની અસરગ્રસ્ત ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેતી તથા બાગાયતી પાકમાં થયેલ નુકસાનીનો સર્વે કરવા અને સર્વે નો રિપોર્ટ નિયત નમૂનામાં સુપરવાઇઝર/અધિકારીઓશ્રીઓ દ્વારા નિયમિત રીતે રજૂ કરવાનો આદેશ કરવામાં આવેલ હતો.
જેમાં ટીમના નોડલ અને સહ નોડલ તરીકે રેન્ડમ ચકાસણી કરી અને મદદનીશ ખેતી નિયામકશ્રી પેટા વિભાગ જૂનાગઢને મોકલવાનો આદેશ થયેલ છે. જે અન્વયે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાન રાખી સ્થાનિક વિસ્તરણ અધિકારી(ખેતી), ગ્રામસેવક, તલાટીમંત્રી, સરપંચ તથા સ્થાનિક ખેડૂત પ્રતિનિધિઓને સાથે રાખી હાલ તુરંત સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અને પાક નુકસાનીના સર્વેની કામગીરી અંતર્ગત વિસાવદર તાલુકાના રાજપરા, વેકરીયા, મુંડીયારાવણી, લાલપુર, ગોવિંદપુર, માણંદીયા, દુધાળા, જાવલડી, ભટવાવડી, કાલસારી, કાલાવડ, ઝાંઝેસર, પ્રેમપરા, કાકચીયાળા, ઘોડાસણ અને જેતલવડ ગામોમાં નુકસાની નો સર્વે ચાલી રહ્યો છે. આ સર્વે કામગીરીનાં નોડલ અધિકારી તરીકે બી.વી. જીવાણી, અને વી.જી. હડવાણીની નિયુક્તિ કરવામાં આવી છે. સહ નોડલ તરીકે ગુંજન માંગરોળીયા, રાજેશ ચૌહાણ, મુકેશ ઓડેદરા અને સેજલ બંધીયા બાગાયત અધિકારીઓ જવાબદારી સંભાળી રહ્યા છે.
ગામ દીઠ ગ્રામસેવક અને બાગાયત મદદશની કક્ષાના કર્મચારીઓ ખેડૂતોના ખેતરે-ખેતરે જઈને નુકસાની નો સર્વે અંદાજી રહ્યા છે. આ કામગીરીમાં કાલસારી ગામની સર્વેની કામગીરી દરમિયાન ગામના સરપંચ અને આગેવાનોએ સર્વેની કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે છે અને ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અસરમાં થયેલ નુકસાનીનું સર્વે સંતોષજનક થઈ રહ્યુ છે આ કામગીરી સાથે સંકળાયેલા ગ્રામ સેવકો અને બાગાયત અધિકારીઓ ખેડૂતોની સાથે હકારાત્મક અભિગમ અપનાવી અને કામગીરી કરી રહ્યા છે ગામના અગ્રણી શ્રી રઘુભાઈ ઢોલરીયા અને ગામના ખાતેદાર ખેડૂત શ્રી ચિરાગભાઈ પટેલે સર્વે કરનાર કર્મચારીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ઉનાળાના તાપમાન ખેડૂતોની ખેતરે ખેતરે જઈને રાજ્ય સરકારના કર્મયોગીઓ આ કામગીરી સાથે જે રીતે કામ કરે છે તે સરાહનીય છે અને તે સરકારશ્રીની અસરકારકતામાં સહયોગી બની રહ્યા છે.


