નવીદિલ્હી
જાેધા અકબર અને બિગ બ્રધર જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા પંજાબના પ્રખ્યાત અભિનેતા અમન ધાલીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાના એક જિમમાં તેના પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અમન પોતાને બચાવતો નજર આવી રહ્યો છે. જાેકે, હુમલાખોરથી બચાવતા તેને ઘણી ઈજા પહોંચી છે. આ વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર એક યુઝરે શેર કર્યો છે. આ ઘટના યુએસમાં સવારે લગભગ ૯ઃ૩૦ વાગ્યે બની હતી. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ અભિનેતાનો હાથ પકડી લીધો છે અને તેના હાથમાં કુહાડી છે. જિમમાં અભિનેતા પર હુમલો કરનાર વ્યક્તિ મને પાણી જાેઈએ છે એમ કહેતો નજર આવી રહ્યો છે. આ વીડિયોમાં કેલિફોર્નિયા જિમમાં હાજર કેટલાક સાથી પણ એક્ટરની મદદ કરતા નજર આવી રહ્યા છે અને તેમણે હુમલાખોરને પકડી રાખ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં છે. પંજાબી અભિનેતાને જિમની આ ઘટનામાં ઘણી ઈજા પહોંચી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, અભિનેતાનું કપાળ લોહીથી લથપથ છે. ઘટના બાદ અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
