વડોદરા
વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિર્ધારીત વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા માટે દર સોમવારે વેરા વસૂલાત ઝુંબેશ કરવામાં આવી રહી છે, ત્યારે આજે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી મેટ્રો (જૂની મેયો હોસ્પિટલ) હોસ્પિટલના રૂપિયા ૩૫.૭૧ લાખની બાકી વેરાની રકમ માટે કોર્પોરેશનને હોસ્પિટલને સીલ માર્યું હતું. આ ઉપરાંત ૧૦૦થી વધુ કોમર્શિયલ મિલકતને સીલ કરી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય આવક વેરાની છે. તેનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવા કોર્પોરેશન દ્વારા માર્ચ મહિનાની શરૂઆતથી જ વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન માસ સીલીંગની કામગીરી દર સોમવારે કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાત માટે શરૂ કરેલી ઝુંબેશના પગલે વેરો ભરનાર મિલકત ધારકોમા ગભરાટ ફેલાઇ ગયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરની સૂચનાથી વોર્ડ ઓફિસરો અને રેવન્યુ ઓફિસરો દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આજે સવારથી ફરી એકવાર માસ સીલીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૦૦ થી વધુ કોમર્શિયલ મિલકતોને સવારે માત્ર બે કલાકમાં જ સીલ મારવામાં આવ્યા હતા. જ્યારે ૫૦થી વધુ રહેણાંક મિલકતના પાણી અને ડ્રેનેજના કનેક્શન પણ કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન હરણી વિસ્તારમાં આવેલી જૂની મેયો હોસ્પિટલનો વેરો બાકી પડતો હતો. જેથી બાકી વેરો વસૂલ કરવા માટે વેરા વસુલાત ટીમ મેટ્રો હોસ્પિટલ પહોંચી હતી અને બાકી વેરા રૂપિયા ૩૫.૭૧ લાખની વસૂલાત માટે આજે કોર્પોરેશન દ્વારા સીલ વર્તમાન મેટ્રો હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું હતું અને હોસ્પિટલના બાકી વેરાની વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે, કોર્પોરેશન દ્વારા મેયો હોસ્પિટલ કાર્યરત હતી, ત્યારનો વેરો બાકી હતો, ત્યારે કોઇ કાર્યવાહી કરવાને બદલે હાલમાં મેટ્રો નામથી ચાલતી હોસ્પિટલને સીલ કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.


