નવી દિલ્હી
હાઈકોર્ટે પ્રયાગરાજ સ્થિત ચંદ્રશેખર આઝાદ પાર્કમાં ૧૯૭૫ બાદ થયેલા ગેરકાયદેસર નિર્માણને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ કાર્યવાહી અંગેના સરકારના રિપોર્ટ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આકરી ટિપ્પણી કરી હતી. જિતેન્દ્ર સિંહ નામની એક વ્યક્તિએ જુલાઈ મહિનામાં અલાહાબાદ હાઈકોર્ટમાં પ્રયાગરાજ જિલ્લાના ચર્ચિત ચંદ્રશેખર આઝાદ પાર્કમાંથી ધાર્મિક અતિક્રમણ હટાવવાની માગણી કરતી એક અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને રાજ્ય સરકાર સહિત તમામ પ્રતિવાદીઓને નોટિસ મોકલી હતી. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, આ જ પ્રકારનો આદેશ ૧૯૮૭માં ગેરકાયદેસર અતિક્રમણને લઈ પસાર કરવામાં આવ્યો હતો. કોર્ટે તે આદેશ લાગુ શા માટે ન કરાયો તેવો સવાલ કર્યો હતો. પ્રયાગરાજ ખાતે અતિક્રમણ દૂર કરવાને લઈ અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો અમલ શરૂ થઈ ગયો છે. આઝાદ પાર્કમાં બનાવવામાં આવેલા મસ્જિદ, મઝાર, મંદિર સહિતના અનેક ગેરકાયદેસર ઢાંચાઓને પ્રશાસન દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ હાઈકોર્ટના આકરા વલણ બાદ અમર શહીદ ચંદ્રશેખર આઝાદ પાર્કની અંદર બનેલી મસ્જિદ, ૧૪ કબર અને ૩ મંદિર સહિતના આશરે ૩ ડઝન ધાર્મકિ અતિક્રમણ હટાવવામાં આવ્યા છે. શનિવારે મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલુ રહી હતી તથા ત્યાંથી કાટમાળ દૂર કરીનો છોડ રોપી દેવામાં આવ્યા છે.
