કેશોદના અગતરાય ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. જેમાં ૩૦૦ જેટલા પશુપાલકોને પશુ સંવર્ધન દ્વારા મહત્તમ આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં પશુપાલન વ્યવસાયિક અને વૈજ્ઞાનિક ધોરણે અપનાવવા માટે ખેડૂતો-પશુપાલકોને પ્રેરિત કર્યા હતા. સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે પણ તેમણે ખેડૂતો-પશુપાલકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહીર, મદદનીશ પશુપાલન નિયામક ડો. ડી. ડી. પાનેરા ડો. ગજેરા અને ડો. કરેથાએ પશુ પોષણ, માવજત અને પશુપાલનના માધ્યમથી વધુ નફો રડવા માટે વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ડો. સાવલિયાએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખના માર્ગદર્શનમાં અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પશુપાલન ખાતા દ્રારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલનને વેગ મળે તે માટે જિલ્લાભરમાં પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ શ્રી દેવાભાઈ ખાંભલા, સરપંચ શ્રી રાજુભાઈ મારડીયા, અગ્રણી શ્રી રમેશભાઈ ડાંગર સહિતના મહાનુભવો અને મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલુકા કક્ષાની પશુપાલન શિબિરને સફળ બનાવવા માટે કેશોદ પશુપાલન ટીમે જહેમત ઉઠાવી હતી.


