Delhi

ચીની સૈનિકો પાછા હટાવવાનો ધરાર ઇનકાર

નવી દિલ્હી
ભારતના લશ્કરી અધિકારીઓએ આ બેઠકના સંદર્ભમાં કહ્યું હતુંઃ ચીન સામે ભારતે વિવાદ ઉકેલવા માટે ઘણાં રચનાત્મક ઉપાયો બતાવ્યા હતા, ઘણા સૂચનો કરવામાં આવ્યા હતા, જેનાથી બંને દેશોના સૈન્ય વચ્ચે સરહદે શાંતિ સ્થપાય. પરંતુ ચીને બિલકુલ નરમ વલણ દાખવ્યું ન હતુ. બીજી તરફ ચીને ભારત ઉપર આરોપ લગાવ્યો હતો. ચોર કોટવાળને દંડે એવી રીતે ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડરે એક નિવેદનમાં કહ્યું હતુંઃ ભારતની માગણી બિલકુલ અયોગ્ય હતી. ભારત પરિસ્થિતિનું ખોટું અર્થઘટન કરવાને બદલે બેઠકોને યોગ્ય મુકામ સુધી પહોંચાડે તો સારું રહેશે. બેઠક પછી ટિ્‌વટ કરીને ચીને ભારતની માગણીને ગેરવાજબી અને અવાસ્તવિક ગણાવી હતી. ચીનના સરકારી મીડિયામાં પણ બેઠક નિષ્ફળ જવા બાબતે ભારતને દોષિત ઠેરવવામાં આવ્યું હતું. સરકારી અખબારોના અહેવાલોમાં ભારતના વલણની ટીકા કરીને ચીને ગેરમાર્ગે દોરતા અહેવાલો રજૂ કર્યા હતા.ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓ વચ્ચે લદાખ સરહદે વિવાદ ઉકેલવા માટે ૧૩મી બેઠક થઈ હતી. આઠ કલાક લાંબી બેઠકના અંતે કોઈ જ ર્નિણય લેવાયો ન હતો. ભારતે રચનાત્મક ઉકેલો બતાવ્યા હોવા છતાં ચીને અક્કડ વલણ જાળવી રાખ્યું હોવાથી બેઠક નિષ્ફળ રહી હતી. ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખનો વિવાદ ઉકેલવા માટે ૧૩મા તબક્કાની બેઠક યોજાઈ હતી. બે મહિના પછી ભારત-ચીનના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાર્તાલાપ થયો હતો. કમાન્ડર લેવલની આ બેઠક અનિર્ણિત રહી હતી. સાડા આઠ કલાક લાંબી બેઠકના અંતે એક પણ મુદ્દે બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે સહમતી બની ન હતી. ભારતે અગાઉ નક્કી થયા પ્રમાણે જે સ્થળોથી ચીને પીછેહઠ કરવાની છે એની રજૂઆત કરી હતી. એ રજૂઆત પછી ચીનના લશ્કરી અધિકારીઓ ભડકી ગયા હતા. ભારતે ઘણાં રચનાત્મક ઉપાયો બતાવ્યા, પરંતુ ચીનનું વલણ અક્કડ રહ્યું હતું. મુખ્યત્વે પેટ્રોલિંગ પોઈન્ટ-૧૫ ઉપરથી ચીની સૈનિકોની પીછેહઠ મુદ્દે વાત અટકી જતી હોવાનો દાવો અહેવાલમાં થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *