એકવાર એક પૂર્ણ મહાત્મા ભગવાન સાથે વાતો કરવા માટે રોજ પહાડી ઉપર જતા હતા.એક દિવસ તેમને રસ્તામાં એક બહેન મળે છે અને કહે છે કે આપ દરરોજ ભગવાન સાથે વાતો કરો છો તો મારી એક તકલીફ વિશે ભગવાનને પુછશો? કે મારે કોઇ સંતાન નથી તો મને સંતાન ક્યારે થશે? ત્યારે મહાત્મા કહે છે કે આજે જ્યારે ભગવાન સાથે મારો વાર્તાલાપ થશે ત્યારે હું પુછી લઇશ, આટલું કહીને તેઓ પહાડ ઉપર જાય છે.પહાડ ઉપર જાય છે ત્યારે ભગવાનનો અવાજ સંભળાય છે ત્યારે મહાત્મા કહે છે કે હે પ્રભુ ! હું જ્યારે આપના દર્શન કરવા આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક બહેન મળે છે કે જેમને કોઇ સંતાન નથી,તેમને મારા મારફતે પુછાવ્યું છે કે તેમના ઘેર સંતાન ક્યારે થશે? ત્યારે ભગવાન કહે છે કે એ સ્ત્રીને કહેજો કે તેમના ભાગ્યમાં આ જન્મમાં સંતાનનું સુખ નથી.સંત જ્યારે પહાડ ઉપરથી ઉતરીને જઇ રહ્યા હતા ત્યારે તે સ્ત્રી રસ્તામાં મળીને ભગવાનનો શું જવાબ છે તે પુછે છે ત્યારે મહાત્મા કહે છે કે ભગવાને કહ્યું છે કે તમારા ભાગ્યમાં આ જન્મમાં સંતાનનું સુખ નથી.સંતનાં આવાં વચન સાંભળીને તે સ્ત્રી નિરાશ થઇને રડવા લાગે છે.
કેટલોક સમય પસાર થાય છે.તેમના નગરમાં એક ફક્કડ ગિરધારી સંત પધારે છે અને બૂમ મારે છે કે જો કોઇ મને એક રોટલો ખવડાવશે તેને એક સંતાનનો આર્શિવાદ આપીશ.આ સાંભળીને પેલી સ્ત્રી સંતને પોતાને ઘેર લઇ જઇને બે રોટલા અને ભરપૂર ભોજન જમાડે છે.જમ્યા પછી સંત આર્શિવાદ આપે છે કે બેટા..તે મને બે રોટલા ખવડાવ્યા છે એટલે તારે ઘેર બે પૂત્ર રત્ન પ્રાપ્ત થશે.સંતનું વચન સત્ય થાય છે અને તેમના ઘેર બે જોડીયા પૂત્રોનો જન્મ થાય છે.પરીવારે ઘણી જ ખુશી મનાવી અને સમગ્ર ગામમાં મીઠાઇ વહેંચે છે અને ગરીબો અને સંતોને ભોજન કરાવે છે.
જે મહાત્માનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર હતો અને ભગવાન સાથે વાતો કરતા હતા તે આ સ્ત્રીના ઘર પાસેથી પસાર થાય છે અને ઘોડીયામાં બે બાળકોને જોઇને તેમને નવાઇ લાગે છે, તેઓ વિચાર કરે છે કે બિચારીના ભાગ્યમાં સંતાન સુખ નથી એટલે આડોશ-પાડોશમાંથી બાળકોને રમાડવા લાવી હશે.મહાત્મા આવીને પુછે છે કે બેટા..આ બે દિકરા કોના છે? ત્યારે પેલી બહેન કહે છે કે મહાત્માજી આ બે બાળકો મારા છે.
સ્ત્રી પોતાના ઘેર પધારેલ સંતના વિશે અને તેમની કરેલ સેવા-પૂજા અને ભરપૂર ભોજન જમાડ્યા બાદ સંતે આપેલ આર્શિવાદથી બે બાળકો થયાની સમગ્ર વાત કહે છે.મહાત્માને ભગવાનના વચન ઉપર શંકા થાય છે અને વિચારે છે કે આજે તો મારે ભગવાનને પુછવું જ છે કે જે સ્ત્રીના ભાગ્યમાં આ જન્મે સંતાન સુખ નહોતું તેના ઘેર બે બાળકો કેવી રીતે થયા? શું સંતસેવાથી ભોજન કરાવ્યા બાદ પ્રસન્ન થયેલ સંતે આપેલ આર્શિવાદમાં ભગવાન કરતાં વધુ શક્તિ હશે ! તેઓ પહાડ ઉપર જઇને ભગવાન સાથે વાતચીત કરે છે કે ભગવાન ! તમે તો કહ્યું હતું કે આ સ્ત્રીના ભાગ્યમાં આ જન્મમાં સંતાન સુખ છે જ નહી તો બે બાળકો કેવી રીતે થયા..? તે સમયે ભગવાનનો અવાજ આવે છે કે હે ભક્તરાજ ! તમારા પ્રશ્નનો જવાબ હું પછી આપીશ પરંતુ પહેલાં એક કામ કરો કે કોઇ મનુષ્યનું કાળજું લઇ આવો.આ મહાત્મા કાળજું લેવા માટે પૃથ્વી ઉપર અહી-તહી ફરે છે પરંતુ ભગવાન માટે કોઇ કાળજું આપવા તૈયાર થતું નથી.ફરતાં ફરતાં રસ્તામાં તેમને જટાજોગી ફક્કડ ગિરધારી સંત કે જેમના આર્શિવાદથી પેલા બહેનના ઘેર બે સંતાનો થયા હતા તે મળી જાય છે અને તેમને પુછે છે કે ભગવાનના માટે મનુષ્યના કાળજાની જરૂર છે અને આ કાર્ય માટે ઠેરઠેર ફર્યો છતાં કોઇ પોતાનું કાળજું કાઢીને આપવા તૈયાર ના થયું.
ત્યારે પેલા સંત કહે છે કે શું વાત કરો છો ! ભગવાનને મનુષ્યના કાળજાની જરૂર છે ! આ શરીર તો ગંદકીનો ઘડો છે,જો આ શરીર ભગવાનના કામમાં આવતું હોય તો આનાથી મોટું સદભાગ્ય બીજું શું હોઇ શકે? હાથમાં ચિપીયો હતો તે ઉગામી સંત કાળજું કાઢવા જાય છે તે સમયે જ ભગવાન પ્રગટ થઇને સંતનો હાથ પકડી લે છે અને મહાત્માને સમજાવે છે કે આ તમારા પ્રશ્નનો જવાબ છે.જે સંત મારા માટે પોતાનું કાળજું કાઢીને આપવા તૈયાર થયા છે તેમની અરદાસ પ્રાર્થના અને આર્શિવાદથી તે સ્ત્રીની કુંખે બે સંતાનો મેં આપ્યા છે.તમે પણ તે સ્ત્રીના માટે અરદાસ પ્રાર્થના અને આર્શિવાદ આપી શક્યા હોત પરંતુ આપ્યા ન હતા.કાળજું તો તમારી પાસે પણ હતું તેમછતાં તમારૂં કાળજું કાઢીને ન આપતાં કાળજું શોધવા નીકળ્યા હતા..! જે મારા માટે પોતાનું કાળજું આપવા તૈયાર થાય તેવા સંતના વચનને સત્ય કરવા વિધાતાના લેખ ઉપર મેખ મારીને મારા સંતનું વચન હું સત્ય કરૂં છું.
આપણે બધાએ પણ ભક્ત અને ભગવાનની આ વાતને સમજવાની જરૂર છે કે ભક્ત અને ભગવાનનો સબંધ કેવો હોય છે ! અમે દુનિયાના જીવો એવું વિચારીએ છીએ કે અમોને બધું જ મળે અને સાથે સાથે તેની કિંમત પણ ચુકવવી ના પડે..! દુનિયાની ચીજવસ્તુઓ ખરીદવા દુનિયાની કિંમત ચુકવવી પડે છે.અમે માયામાં અંધ જીવો ભગવાનનો પ્રેમ પણ દુનિયાની ભૌતિક ચીજોથી મેળવવા ઇચ્છીએ છીએ.
જ્યારે અમારા ભાગ્યનો ઉદય થાય અને કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ભગવાનના પ્રતિનિધિ ઇશ્વરનું સાકાર સ્વરૂપ સંત-સદગુરૂ મળે છે અને તે સમજાવે છે કે બેટા..તું તારા અહમ્ અને હુંપણું છોડીને,મનમાંથી લાલચ,મોહ,કામ-ક્રોધનો ત્યાગ કરીને આવીશ તો પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરી શકીશ..
સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે,એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.તમામને ભ્રમિત કરવાવાળી માયા ભક્તોને ભ્રમિત,લિપ્ત કરી શકતી નથી.સંતોનાં વચન માયાસક્ત લોકોની જેમ આચરણહીન હોતાં નથી.સંતોનું સન્માન હંમેશાં કરો કારણ કે સંતનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે.મન-વચન અને શરીરથી અન્ય પ્રત્યે ઉ૫કાર કરવો એ સંતોનો સહજ સ્વંભાવ હોય છે.સંત અન્યના હીત માટે પોતે કષ્ટ સહન કરે છે.સ્વર્ગ એ છે કે જ્યાં સંત ૫રમપિતા ૫રમાત્માના ગુણગાન કરે છે.
સંત જ્ઞાની ભક્ત તત્વજ્ઞ મહાપુરૂષ અને પ્રભુ ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી.જે સૌભાગ્યશાળી વ્યક્તિને આવા સંત મહાપુરૂષની સંગતિ મળી જાય છે તો તેના મન ઉપર લાગેલા કામ ક્રોધ લોભ મોહ વગેરેના કાળા દાગ દૂર થઇ જાય છે.જે સાચા સંત હોય છે તે જિજ્ઞાસુઓને ત્રણ ગુણોથી પાર કરી ત્રિગુણાતીત ૫રમાત્માનાં દર્શન કરાવી દે છે અને હ્રદયને અલૌકિક પ્રકાશ(જ્ઞાનરૂપી રોશની) થી ભરી દે છે.સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સંત એક એવો અથાહ સાગર હોય છે જે આદિ અને અંતથી ૫ર હોય છે.સંતોના ગુણોની ગણતરી થઇ શકતી નથી.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.સંત જ્ઞાની ભક્ત તત્વજ્ઞ અને ભગવાનમાં સહેજ૫ણ ભેદ હોતો નથી.સાચા સંત જ ત્રિગુણાતીત બનાવી બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત મહાપુરૂષોનું ચિત્ત ૫રમાત્મામાં જોડાયેલું હોવાથી બીજી કશી વસ્તુની તૃષ્ણા હોતી નથી.તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે.તેઓ સર્વમાં અને સર્વત્ર ૫રમાત્માને જુવે છે.મમતા અને અહંકારથી તેઓ ૫ર હોય છે. ઠંડી-ગરમી, સુખ-દુઃખ વગેરે દ્વન્દ્રો તેમને સ્પર્શી શકતા નથી અને તેઓ કોઇ૫ણ પ્રકારનો સંગ્રહ કરતા નથી.
પરમાત્માની સાથે આ૫ણો સબંધ જોડે તેવા સંત મહાપુરૂષોનો સમાગમ જીવનની કાયાપલટ કરી દે છે.આવા સંતોનો સમાગમ ન મળે તો કુસંગ તો ન જ કરવો પરંતુ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહી પ્રભુ નામ-સુમિરણનો સહારો લેવાથી લાભ થાય છે,સમય તથા શક્તિ બચી જાય છે.સંત થયા વગર સંતને ઓળખી શકતા નથી કે સંત મળતાં નથી,સંત થવા મનને સુધારવાની જરૂર છે,ભક્તિની જરૂર છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


