ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો , અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી , લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા ત્તત્વો બહારના જિલ્લા / રાજયમાંથી આવી એનું મકાનોના બાંધકામ , ખેતરોમાં કે ફેકટરીઓમાં મજૂર તરીકે આશરો મેળવી પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે . માનવ જિંદગી ખુવાર થાય અને લોકોની તથા જાહેર સંપત્તિને નુકસાન પહોચાડે છે . મહદઅંશે આવા મજૂરો પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહે છે . આવા ઈસમોની કોઈ માહિતી કે વિગતો મકાન માલિકો પાસે હોતી નથી . જેથી ગુનાઓ કર્યા બાદ આવા ઈસમોની અટક કરવી મુશ્કેલ બની જાય છે તેમજ આવા મજૂર તરીકે કામ કરતા લોકો ઉપર વોચ રાખી શકાતી નથી . વળી , આવા મજૂરોને કામે રાખનાર માલિકો આવા ઈસમોની માહિતી રાખવા કે પોલીસને માહિતી આપવા બાબતે ગંભીર જણાતા નથી.
જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી , બનાસકાંઠા , પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ મુજબ મળેલ સત્તા અન્વયે હુકમ કરવામાં આવ્યો છે કે , સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઇપણ વ્યક્તિને મજૂર તરીકે કામ ઉપર રાખવામાં આવે ત્યારે આવા વ્યક્તિ અંગેની જરૂરી માહિતી ફોટોગ્રાફ્સ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે . જેમાં મજૂરનું પુરુ નામ અને સરનામું , મજૂરનું બનાસકાંઠા જિલ્લાનું સરનામું , તેની સાથેના માણસની વિગત , જેના ત્યાં મજૂર તરીકે કામ કરતા હોય તેનું નામ સરનામું , બાહેંધરી અગર જેના મારફત મજૂર તરીકે રાખેલ હોય તેનું નામ સરનામું , અગાઉ મજૂર તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું , બનાસકાંઠા જિલ્લામાં ઓળખીતાના નામ અને સરનામા તથા મોબાઇલ નંબર , વતનનું સરનામુ પો.સ્ટે . સહિત તથા વતનમાં રહેતા ભાઇ બહેન માતા પિતાના નામ , પરણિત હોય તો સાસરીનું નામ સરનામું , મજૂરનું ચહેરા નિશાન , ઉંમર , ઉંચાઇ , વર્ણન , અભ્યાસ વિ . ( ઓળખી શકાય તેવી નિશાની ) દર્શાવવાની રહેશે .
આ હુકમ તા. ૨૮/ ૦૩/ ૨૦૨૩ થી તા. ૨૮ / ૦૪ / ૨૦૨૩ સુધી ( બંને દિવસો સહિત ) અમલમાં રહેશે . આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક . ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે .
