સુરત
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને નવાનવા ઝટકા લાગી રહ્યા છે. સુરત કોર્પોરેશનના ૧૦ કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા છે. ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની કુલસચિવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડીગ્રી માગવા મુદ્દે માનહાનિની ફરિયાદ કરી છે. ત્યારે આજે ૧૭ એપ્રિલે સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાઈ હોવાની માહિતી સામે આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદિત કોમેન્ટ બદલ ધરપકડ કરાઈ છે. વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપો થયા હતા. તે દરમિયાન પોતાના ચૂંટણી સંબોધનમાં જે તે સમયે તત્કાલિન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીના વિરોધમાં ટિપ્પણીઓ કરી હતી, જેને ધ્યાનમાં રાખી ફરિયાદ થતાં આજે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે આપ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપના નેતાઓ ઉપર સતત શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ચૂંટણીનો મિજાજ ખૂબ જ જામી ગયો હતો. તે દરમિયાન પોતાના રાજકીય નિવેદનમાં હર્ષ સંઘવી ઉપર સતત શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા. રાજ્યમાં સતત ડ્રગ્સ પકડાતો હોવાને કારણે ગોપાલ ઇટાલિયા એ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે નિવેદન આપ્યું હતું. જે અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજે ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે.


