હરેશ ભાલિયા દ્વારા
જેતપુરના સાડી કારખાનામાં બાળ મજૂરો પાસે કામ કે મજૂરી ના કરાવવાની અગાઉની ડાઇંગ એશો.ની તાકીદ હોવા છતાં પરપ્રાંતીય ઠેકેદારોને વિશ્વાસમાં લઈને અમુક કારખાનેદારો ઓછી મજૂરીની લાલચે બાળ મજૂરો રાખતા હોવાની ફરિયાદ રાજકોટ સુધી પહોંચી જતાં આજે રાજકોટના લેબર ચાઇલ્ડ તંત્રે જેતપુરમાં ત્રાટકીને 2 સાડી કારખાનામાંથી 6 બાળ મજૂરોને મુક્ત કરાવી સંબંધીત કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેતપુર શહેરના ધારેશ્વર વિસ્તારમાં આવેલ સાડીઓની ફિનીશીંગનું કામ કરતા કેટલાક કારખાનાઓ પરપ્રાંતીય બાળકો બાળ મજૂરી કરાવતા હોવાની લેબર ચાઈલ્ડ વિભાગને બાતમી મળી હતી. બાતમીને આધારે જિલ્લા સમાજ સુરક્ષા, ચાઈલ્ડ લેબર ડિપાર્ટમેન્ટ, એન્ટી હ્યુમન ટ્રાફિકીગ યુનિટ રાજકોટ ગ્રામ્ય, ચાઈલ્ડ લાઈન પુજીત રૂપાણી ટ્રસ્ટ અને સંયુક્ત નિયામક ઔદ્યોગિક અને સ્વાસ્થ્ય સલામતીની ટીમ દ્વારા સંયુક્ત રીતે છાપો મારવામાં આવ્યો. જેમાં અલ્તાફહુસેન શાહબાઝ અંસારીની માલિકીના પૂર્વાચંલ ફિનીશીંગમાંથી ૪ અને ધવલ સાવલિયાની માલિકીનું શિવમ હેન્ડ ફિનીશીંગમાંથી બે બાળમજૂરો મળી આવ્યા હતા.
જેથી શ્રમ વિભાગ દ્વારા બંને યુનિટોના માલિક સામે બાળમજૂર પ્રતિબંધ ધારા હેઠળ ફરીયાદ નોધાવી બાળકોને રાજકોટ ખાતે બાલાશ્રમમાં લઇ જવામાં આવ્યા હતાં.


