કોલકાતા
આજે ઈસ્લામ ધર્મમાં માનનારા લોકો દેશભરમાં ઈદની ઉજવણી કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મુસ્લિમોને ઈદની શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર તેઓ રાજનીતિ પણ ચૂક્યા ન હતા. તેમણે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મુસ્લિમોની વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે તેમની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીને ગદ્દાર પાર્ટી ગણાવી હતી. આ સાથે ઓવૈસીને બીજેપીના એજન્ટ ગણાવ્યા છે. કોલકાતામાં ઈદ નિમિત્તે નમાજ માટે આયોજિત એક સભાને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે, અમે બંગાળમાં શાંતિ ઈચ્છીએ છીએ. અમને રમખાણો નથી જાેઈતા. અમે દેશમાં ભાગલા નથી ઈચ્છતા. જે લોકો દેશના ભાગલા પાડવા માંગે છે તેમને આજે ઈદ પર વચન આપું છું કે હું મારો જીવ આપવા તૈયાર છું પરંતુ હું દેશના ભાગલા નહીં થવા દઈશ. આ દરમિયાન મમતા બેનર્જીએ અસદુદ્દીન ઓવૈસીનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લોકોને કહ્યું, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, શાંત રહો અને કોઈનું સાંભળશો નહીં. એક ગદ્દાર પાર્ટી છે જેની સાથે મારે લડવાનું છે. મારે એજન્સીઓ સાથે પણ લડવું પડશે. હું તેમની સાથે લડું છું કારણ કે, મારામાં તે કરવાની હિંમત છે. હું નમવા તૈયાર નથી. ઓવૈસીને બીજેપીના એજન્ટ ગણાવતા મમતા બેનર્જીએ કહ્યું, કોઈ બીજેપી પાસેથી પૈસા લે છે અને કહે છે કે અમે મુસ્લિમ વોટ વહેંચી લઈશું. ચૂંટણીમાં એક વર્ષ બાકી છે. કોણ જીતે છે અને કોણ હારે છે તે જાેઈ લઈશું.