શ્રીમદ ભગવદ ગીતાનો મહિમા અગાધ અસિમ અલૌકિક છે.ગીતા વિલક્ષણ ગ્રંથ છે.એમાં કોઇ સમુદાય વિશેષની નિંદા કે પ્રસંશા નથી પરંતુ વાસ્તવિક તત્વ કે જે પરીવર્તનશીલ પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોથી અતીત અને સકળ દેશ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેમાં નિત્ય નિરંતર એકરસ રહેવાવાળા પ્રભુ પરમાત્માનું વર્ણન છે.ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગવાયેલી કરૂણાભીની ગીતા જગતના હિતના માટે કર્તવ્યની દિક્ષા,સમતાનો બોધ,જ્ઞાનની ભિક્ષા અને શરણાગતિનું તત્વ પ્રદાન કરવાવાળી છે.ગીતાનો એકાગ્ર મનથી પાઠ કરવાથી ઘણી જ શાંતિ મળે છે.
ગીતાનું મુખ્ય લક્ષ્ય એ છે મનુષ્ય કોઇપણ વાદ-મત કે સિદ્ધાંતને માનવાવાળો કેમ ના હોય તેનું પ્રત્યેક પરિસ્થિતિમાં કલ્યાણ થઇ જાય,તે પરમાત્મા પ્રાપ્તિથી વંચિત ના રહી જાય કારણ કે જીવમાત્રનો મનુષ્ય યોનિમાં જન્મ ફક્ત પોતાના કલ્યાણના માટે થયો છે.
ગીતા અલૌકિક ગ્રંથ તથા જ્ઞાનનો અથાહ સાગર છે.તેનું અધ્યયન કરવાથી નવા નવા ભાવ જાણવા મળે છે અને થોડા વધુ ઉંડાણથી અધ્યયન કરવાથી ગૂઢ ભાવ મળે છે પરંતુ ગીતાને સમજવામાં અભિમાન મોટું વિઘ્ન છે.જો કોઇ વ્યક્તિ પોતાની વિદ્વતા-બુદ્ધિ અને યોગ્યના બળ ઉપર ગીતાનો અર્થ સમજવા ઇચ્છે તો તે સમજી શકતો નથી.જેને નિરઅભિમાની બનીને ભગવાન શ્રીકૃષ્ણ તથા ગીતાની શરણ સ્વીકારે છે તેના અનુભવમાં ગીતાના અધ્યાયમાંથી એવી એવી વાતો જાણવા મળે છે કે જે કોઇ શાસ્ત્રોમાં મળતી નથી.આનું એક સત્ય ઉદાહરણ છે શ્રીમદ ભગવદ ગીતાના મનિષિ સ્વામી રામસુખદાસજી મહારાજ.
એકવાર સ્વામી રામસુખદાસજીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે..કલકત્તામાં એક મુનિમ હતા. તેમને શુદ્ધ હિન્દી પણ આવડતી નહોતી.એક દિવસ તે સ્વામીજી પાસે આવીને કહે છે કે મારે આખી ગીતા કંઠસ્થ કરવી છે પરંતુ મારામાં એટલું સામર્થ્ય નથી કે કોઇ પંડીત પાસે જઇને શિખી શકું.ત્યારે સ્વામીજીએ તેમને ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરીને તેમની શરણાગતિ સ્વીકારીને ગીતા વાંચવાની સલાહ આપે છે.
મુનિમે ઘેર જઇને ભગવાન શ્રીકૃષ્ણના ફોટાની સામે ઘી નો દિવો,અગરબત્તી અને ફુલોનો હાર ચઢાવી કૃષ્ણં વંદે જગતગુરૂમ્.. હે કૃષ્ણ ! આપ જ સમસ્ત જગતના ગુરૂ છો,મારા જેવા અજ્ઞાનીને આપ જ ગીતાનો મર્મ સમજાવો.આમ કહીને ગીતાનું અધ્યયન કરવાનું શરૂ કરે છે.કેટલાક સમય બાદ મુનિમને આખી ગીતા કંઠસ્થ થઇ જાય છે.
ગીતાનું અધ્યયન ક્યારે સાર્થક થાય છે તેના વિશેની એક બોધકથા જોઇએ..
એકવાર એક વિદ્વાન બ્રાહ્મણે રાજાના દરબારમાં જઇને કહ્યું કે મહારાજ ! મેં ધર્મગ્રંથોનું સારી રીતે અધ્યયન કર્યું છે,હું આપશ્રીને શ્રીમદ ભગવદ ગીતા શિખવાડવા માંગું છું.રાજા આ વિદ્વાન કરતાં વધુ ચતુર હતા.રાજાએ મનોમન વિચાર્યું કે જે મનુષ્યે શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન કર્યું હોય તે જ વધુ આત્મ ચિંતન કરશે.રાજ્ય દરબારની પ્રતિષ્ઠા મેળવવા કે ધનના પાછળ તે પડતો નથી.આવો વિચાર કરીને રાજાએ બ્રાહ્મણને કહ્યું કે મહારાજ ! આપે ગીતાનું પૂર્ણ અધ્યયન કર્યું નથી.હું આપને મારા શિક્ષક બનાવવાનું વચન આપું છું પરંતુ આપ હમણાં ઘેર જઇને હજું પણ સારી રીતે ગીતાનું અધ્યયન કરો.
બ્રાહ્મણ રાજદરબારમાંથી ચાલ્યા જાય છે પરંતુ વારંવાર મનમાં વિચાર કરે છે કે રાજા કેટલા મૂર્ખ છે ! તે મને કહે છે કે મેં ગીતાનું પૂર્ણ અધ્યયન નથી કર્યું. હું ઘણા વર્ષોથી ગીતાનું અધ્યયન કરૂં છું.બ્રાહ્મણે એકવાર ફરીથી ગીતાનું અધ્યયન કરીને રાજદરબારમાં જાય છે.ત્યારે રાજા બ્રાહ્મણને કહે છે કે હજું ગીતાનું અધ્યયન કરો પછી આવજો આમ કહીને કાઢી મુકે છે.બ્રાહ્મણને રાજાની વાતનું દુઃખ થાય છે પરંતુ તેમને મનમાં વિચાર કર્યો કે રાજાનું આવું વારંવાર કહેવું કે હજુ ગીતાનું અધ્યયન કરો તેમાં કોઇક તો રહસ્ય હશે.
બ્રાહ્મણ ઘેર જઇને ચુપચાપ પોતાની રૂમમાં પુરાઇ જાય છે અને પુરી એકાગ્રતાથી ગીતાનું અધ્યયન કરવા લાગે છે.હવે કરત કરત અભ્યાસસે જડમતિ હોત સુજાન..કહેવત ચરીતાર્થ થવા લાગે છે. ધીરે ધીરે ગીતાના ગૂઢ અર્થનો પ્રકાશ તેની બુદ્ધિમાં જાગ્રત થાય છે.ત્યારે તેને અનુભવ થાય છે કે સંપત્તિ માન દ્વવ્ય અને કીર્તિ મેળવવા રાજ્યદરબારમાં કે અન્ય જગ્યાએ દોડવું વ્યર્થ છે.તે દિવસથી તે દિવસ-રાત એક ચિત્તથી ઇશ્વરની આરાધના કરવા લાગ્યા અને પછી ક્યારેય તે કોઇ રાજાને મળવા જતા નથી.
કેટલાક વર્ષો પછી રાજાને બ્રાહ્મણની યાદ આવે છે અને તે બ્રાહ્મણની શોધ કરતાં કરતાં તેના ઘેર જાય છે.બ્રાહ્મણના દિવ્ય તેજ અને પ્રેમને જોઇને રાજા તેમના શ્રીચરણોમાં પડી જાય છે અને કહે છે કે મહારાજ ! હવે આપશ્રીએ ગીતાના અસલી તત્વને સમજ્યા છો,હવે જો મને આપ શિષ્ય બનાવશો તો મને ઘણી જ પ્રસન્નતા થશે પરંતુ હવે બ્રાહ્મણ બિલ્કુલ બદલાઇ ગયો હતો.તેમને ગીતાના વક્તા ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મોહપાશમાં બાંધી લીધા હતા.તેમને સંસારનું સૌથી મોટું સુખ મળી ગયું હતું.
શ્રીમદ ભગવદ ગીતાને સમજવા માટે ભગવાનની શરણાગતિ જરૂરી હોય છે.ગીતા ભગવાને સંસારને આપેલ પ્રસાદ છે.ગીતાને સમજવા ભગવાનની શરણાગતિની આવશ્યકતા છે એટલે ગીતામાં શરણાગતિની વાત મુખ્યરૂપે કહેવામાં આવી છે.ગીતા શરણાગતિથી શરૂ થાય છે અને શરણાગતિથી સમાપ્ત થાય છે.ગીતાની શરૂઆતમાં અર્જુન ભગવાનની શરણ સ્વીકારી પોતાના કલ્યાણનો ઉપાય પુછે છે અને અંતમાં ભગવાન તેને પોતાની શરણમાં આવવાની આજ્ઞા આપે છે.
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ,અહં ત્વા સર્વપાપ.ભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ (ગીતાઃ ૧૮/૬૬) ગીતાનો આ શરણાગતિનો શ્ર્લોક રત્ન છે.ભગવાન કહે છે કે તમામ ધર્મો એટલે કે તમામ કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી તૂં ફક્ત એક મારા સર્વશક્તિમાન પરમેશ્વરના શરણમાં આવી જા. હું તને તમામ પાપોમાંથી મુક્ત કરી દઇશ,તૂં શોક ના કરીશ.ગીતામાં ક્યાંય શ્રી કૃષ્ણ ઉવાચ શબ્દ નથી પરંતુ શ્રી ભગવાન ઉવાચ શબ્દ છે એટલે તેનો અર્થ એ છે કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ડ તત્વવેત્તા આત્મજ્ઞાની સંતની શરણાગતિ સ્વીકારીશ એક પ્રભુ પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી લઇશું તો જ ગીતાના વાસ્તવિક તત્વને સમજી શકીશું.
સંસારમાં સાધારણમાં સાધારણ કાર્ય શીખવા માટે અમારે તેના જાણકાર ગુરૂનું શરણું લેવું ૫ડે છે.એવા વ્યક્તિની શોધ કરવી ૫ડે છે કે જે ૫હેલાંથી જ તે ક્ષેત્રનો જાણકાર હોય છે,તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ શાંતિ પ્રાપ્ત કરવા માટે કોઇ ૫રમ પુરૂષની શરણાગતિ અતિ આવશ્યક છે.જેવી રીતે પ્રકાશ વિના અંધકાર દૂર થતો નથી, જ્ઞાની વિના જ્ઞાન પ્રાપ્તિ ફક્ત કલ્પના જ છે,નાવિક વિના નૈયા પાર ઉતરી શકાતું નથી, શિક્ષક વિના શિક્ષણ પ્રાપ્ત થતું નથી,તેવી જ રીતે ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.
ઇશ્વર પ્રણિધાનનો અર્થ છે ઇશ્વરની શરણાગતિ.ઇશ્વરની શરણાગતિ સ્વીકારી તેમના નામ રૂ૫ ગુણ અને લીલાનું શ્રવણ-કિર્તન અને ચિંતન..મનન કરવું તથા તમામ કર્મો ભગવાનને સમર્પિત કરી દેવાં.ઇશ્વર સર્વ સમર્થ છે તે પોતાના શરણાગત ભક્ત ઉ૫ર પ્રસન્ન થઇને તેમના ભાવ અનુસાર તમામ સુખો પ્રદાન કરે છે.ઇશ્વરમાં મન લગાડવાથી ચંચળતા આપોઆપ સમાપ્ત થઇ જાય છે.આના માટે ભગવત્કૃપાનું અવલંબન લેવું ૫ડે છે કારણ કે વ્યક્તિની બુદ્ધિ શક્તિ પ્રયત્ન અને પુરૂષાર્થ સિમિત છે.સિમિત સાધનોથી અસિમિતને કેવી રીતે મેળવી શકાય ! એટલે પુરૂષાર્થની સાથે સાથે ભગવાનની કૃપાનો આશ્રય ગ્રહણ કરવો આવશ્યક છે.ભગવાનના શરણાગત થઇને પ્રભુને પ્રાર્થના કરવી જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)