ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનો દ્વિતિય પદવીદાન સમારંભ ગુજરાતના કેબિનેટ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તા.૫ મે, ૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સાંદીપની વિદ્યાનિકેતન ઓડીટોરીયમ, પોરબંદર ખાતે યોજવામાં આવનાર છે.
યુનિવર્સિટીના નિયમન અને નિયંત્રણ હેઠળ આવતા જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા એમ ચાર જીલ્લાના કુલ ૩૭૬૦૩ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે. ઉપરાંત ૫૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૨૨૫ વિદ્યાર્થીઓને રેન્ક સર્ટીફીકેટ તથા બીકેએનએમયુમાંથી પીએચ.ડી. થયેલ ૪૮ વિદ્યાર્થીઓને પણ ડીગ્રી એનાયત કરવામાં આવશે.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આ દ્વિતિય પદવીદાન સમારંભમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પ્રસિધ્ધ ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા,પોરબંદરના સાંસદશ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્યો,શિક્ષણવિદો, સામાજીક આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ચેતનભાઈ ત્રિવેદી, રજીસ્ટ્રાર ડૉ.મયંક સોની, ઈ.સી. મેમ્બર્સશ્રી ડૉ.જયભાઈ ત્રિવેદી, ચંદ્રેશભાઈ હેરમા, ભાવનાબેન અજમેરા, ડૉ.જીવાભાઈ વાળા, યુનિવર્સિટીના સતા મંડળો બોર્ડ ઓફ ગવર્નર્સ, એકઝીક્યુટીવ કાઉન્સિલ, એકેડમિક કાઉન્સિલના અન્ય સભ્યો, ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ વિગેરે દ્વારા દ્વિતિય પદવીદાન સમારંભની તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.
