લંડન
યુએસમાં એરિઝોનાની ત્રણે સરકારી યુનિવર્સિટીઓએ આઠ ડિસેમ્બર સુધીમાં ફેડરલ સરકારના આદેશ અનુસાર તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપી દેવામાં આવશે. યુનિવર્સિટી ઓફ એરિઝોના, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને નોર્ધન એરિઝોના યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીના કર્મચારીઓ હોય તેમણે પણ કોરોનાની રસી લેવાની રહેશે.બ્રિટનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ૪૦,૦૦૦ કરતાં વધારે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. આજે બ્રિટનમાં કોરોનાના નવા ૪૪,૯૩૨ કેસો નોંધાયા હતા અને ૧૪૫ જણાના મોત થયા હતા. બ્રિટનમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૮૩,૬૧,૬૫૧ થઇ છે જ્યારે કોરોનાનો કુલ મરણાંક ૧,૩૮,૩૭૯ થયો છે. ઘણાં લોકો કોરોનાનો પ્રથમ ટેસ્ટ પોઝિટિવ આવ્યાના ૨૮ દિવસમાં જ મૃત્યુ પામ્યા હતા. હાલ બ્રિટનમાં કોરોનાના ૭,૦૮૬દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નેશનલ હેલ્થ સર્વિસના ડેટા અનુસાર ટેસ્ટ એન્ડ ટ્રેસ કાર્યક્રમમાં અંદાજે ચાર લાખ કોરોના વાઇરસ ટેસ્ટના સેમ્પલ વોલ્વરહેમ્પટનમાં આવેલી ઇમ્મેન્શા હેલ્થ ક્લિનિક લેબ દ્વારા પ્રોસેસ કરવામાં આવ્યા હતા. એક અંદાજ અનુસાર ૪૩,૦૦૦ લોકોને આઠ સપ્ટેમ્બર અને ૧૨ ઓક્ટોબર દરમ્યાન ખોટા પરિણામો આપવામાં આવ્યા હતા. અગાઉ જે લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા તેમને નેગેટિવ પીસીઆર રિઝલ્ટ મળવાને પગલે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ધ યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના કેસો સાઉથવેસ્ટ ઇંગ્લેન્ડમાં નોંધાયા હતા. તાજા આંકડા અનુસાર બ્રિટનમાં ૧૨ કરતાં વધારે વયના ૮૫ ટકા લોકોેને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૭૮ ટકા લોકોને કોરોનાની રસીના બંને ડોઝ મળ્યા છે. બીજી તરફ રશિયામાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ૩૩,૨૦૮ નોંધાઇ હતી અને કોરોનાનો કુલ મરણાંક એક હજારનો આંક પાર કરી ગયો હતો. છેલ્લા થોડા સપ્તાહોમાં કોરોનાના દૈનિક મરણાંકનો વિક્રમ રશિયામાં સતત તુટતો રહ્યો છે. કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી પહેલીવાર આ વખતે દૈનિક મરણાંક એક હજારનો આંક પાર કરી ગયો છે. રશિયાની સરકારે લોટરી, બોનસ અને અન્ય પ્રોત્સાહનો આપીને લોકોને કોરોનાની રસી આપવાનું કામ ઝડપી બનાવ્યું છે. દરમ્યાન યુએસમાં આરોગ્ય અધિકારીઓએ પાંચથી અગિયાર વર્ષના ૨૮ મિલિયન કિશોરો માટે આગામી ત્રણ સપ્તાહમાં રાષ્ટ્રીય સ્તરે કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. યુએસમાં કોરોનાનો મરણાંક ૭,૨૦,૦૦૦ નો આંક પાર કરી ગયો છે ત્યારે દેશમાં રસીકરણનો નવો તબક્કો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ ન્યુઝિલેન્ડમાં કોરોનાની રસીકરણ ઝૂંબેશમાં સંગીતકારો, સ્પોર્ટસ સ્ટાર અને મહાનુભાવોને સામેલ કરી મોટી સંખ્યામાં લોકોને રસી આપવાના પ્રયાસમાં એક જ દિવસમાં ૧,૨૦,૦૦૦ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. દરમ્યાન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ-આઇએમએફના અહેવાલમાં ભારત સરકારના કોરોના મહામારીના પ્રતિભાવને બિરદાવવામાં આવ્યો હતો. ભારતે મહામારી હોવા છતાં લેબર લોમાં સુધારા કરવામાં આવ્યા હતા અને ખાનગીકરણની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. જાે કે, તેમાં ચેતવણી આપતાં જણાવવામાં આવ્યું હતું કે મહામારી વિષયક અનિશ્ચિતતાને કારણે આર્થિક ચિત્ર ધૂંધળું છે અને તેને કારણે જાેખમ મોટું છે. કોરોના મહામારીની મૂડીરોકાણ પર સતત નકારાત્મક અસરને કારણે આર્થિક રિકવરી લંબાઇ શકે છે.
